પીએમ મોદી આવતા અઠવાડિયે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે, ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર રહેશે ખાસ ફોકસ



પીએમ મોદી આવતા અઠવાડિયે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે, ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર રહેશે ખાસ ફોકસ



PM Modi Indonesia Australia New Zealand Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મહત્વપૂર્ણ મુલાકાતે જવાના છે. ભારતની વિદેશ નીતિમાં ‘એક્ટ ઈસ્ટ’ અભિયાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્રણેય દેશો સાથે વ્યૂહાત્મક, આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ઉચ્ચસ્તરીય બેઠકઓ યોજાશે.
ઇન્ડોનેશિયાથી થશે પ્રવાસની શરૂઆત
પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી 6 જુલાઈએ ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. તેઓ જકાર્તામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ ઐતિહાસિક શહેર યોગ્યાકાર્તા અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ પ્રંબાનન મંદિર સંકુલની મુલાકાત પણ કરશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે 2018માં સ્થાપિત થયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership)ને વધુ મજબૂત બનાવવા બંને દેશોના નેતાઓ વચ્ચે ચર્ચા થશે. સમુદ્રી સુરક્ષા, સંરક્ષણ સહયોગ, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો મુખ્ય ચર્ચાના વિષયો રહેશે.
મલક્કા સ્ટ્રેટની સુરક્ષા પર ભાર
ઇન્ડોનેશિયા મલક્કા સ્ટ્રેટ જેવા વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાં કેન્દ્રસ્થાન ધરાવે છે. ભારત માટે પણ આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. સમુદ્રી સુરક્ષા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહયોગ વધારવા બંને દેશો વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે.
ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે
પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી 10 જુલાઈએ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. અહીં તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલનના ત્રીજા સંસ્કરણમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન ક્રિટિકલ મિનરલ્સ, સાયબર સુરક્ષા, સપ્લાય ચેઇન મજબૂતી, નવી ટેકનોલોજી અને સંરક્ષણ સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બંને દેશો વચ્ચે વધતી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ સાથે ઐતિહાસિક મુલાકાત
11 જુલાઈએ વડાપ્રધાન મોદી ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. તેઓ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ મુલાકાત ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે છેલ્લા ચાર દાયકામાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે.
ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિને મળશે મજબૂતી
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રવાસ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ‘મહાસાગર’ વિઝનને વધુ ગતિ આપશે. હિંદ મહાસાગરના પૂર્વીય વિસ્તારમાં ભારતની હાજરી અને પ્રભાવ વધારવા માટે આ મુલાકાતને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



