પીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે જઈ રૂ.17,900 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ભોગપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનથી લઈને સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી અને હાઈવે પ્રોજેક્ટ્સ સુધી અનેક મહત્વપૂર્ણ યોજનાઓને નવી ગતિ મળશે.
Rahul Desai
Rahul Desai
પીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસેપીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે જશે. તેઓ આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગપુરમ ખાતે અલલૂરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને રૂ.17,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ તથા લોકાર્પણ કરશે.

ભોગપુરમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ રૂ.5,640 કરોડથી વધુના ખર્ચે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ દર વર્ષે આશરે 60 લાખ મુસાફરોને સેવા આપી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એરપોર્ટમાં AI, બાયોમેટ્રિક પેસેન્જર પ્રોસેસિંગ, ઓટોમેટેડ બેગેજ હેન્ડલિંગ અને 5 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સહિતની આધુનિક ટેક્નોલોજી અને ગ્રીન બિલ્ડિંગ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન વિશાખાપટ્ટનમમાં રૂ.460 કરોડના રોકાણથી વિકસાવવામાં આવનારા ASIP સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ આંધ્ર પ્રદેશની પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા હશે, જે દર વર્ષે આશરે 9.6 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે અને ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની તકો ઊભી કરશે.

તેઓ કુરનૂલ અને અનંતપુરમના રિન્યૂએબલ એનર્જી ઝોન માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ તેમજ રૂ.5,550 કરોડથી વધુના પાવર ગ્રિડ પ્રોજેક્ટ્સનું પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી સ્વચ્છ ઊર્જાને રાષ્ટ્રીય ગ્રીડ સાથે વધુ અસરકારક રીતે જોડવામાં મદદ મળશે.

આ ઉપરાંત રૂ.1,880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી માર્ગ સલામતીમાં સુધારો થશે, ટ્રાફિકની સમસ્યા ઘટશે અને વિશાખાપટ્ટનમ-હૈદરાબાદ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી બનશે.

આંધ્ર પ્રદેશ બાદ વડાપ્રધાન કર્ણાટકના મૈસુરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર ‘વિવેક સ્મારક’નું ઉદ્ઘાટન કરશે. 81,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ કેન્દ્ર 4-ડી અનુભવ કેન્દ્ર, પ્રદર્શન હોલ, લાઇબ્રેરી, ધ્યાન અને યોગ હોલ, એમ્ફિથિયેટર અને વિદ્યાર્થીઓ માટેની વિશેષ શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે.

‘વિવેક સ્મારક’નો હેતુ સ્વામી વિવેકાનંદના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણના આદર્શોથી યુવાનોને પ્રેરિત કરવાનો છે. અહીં વ્યાખ્યાનો, વર્કશોપ, ટૂંકા ગાળાના અભ્યાસક્રમો અને વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો દ્વારા 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને લાભ મળવાની અપેક્ષા છે.