Surat Police Diwali Campaign: પોલીસનું 'વોકલ ફોર લોકલ' અભિયાન, સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન

આ અભિયાનના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી સેન્ટર ખાતે સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓના વેચાણ માટે વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

આ સ્ટોલ પર દિવાળીના પર્વને અનુરૂપ કોડિયા, રંગોળી, લાઈટિંગ, ઘરની સજાવટની સામગ્રી તેમજ નાસ્તાની વિવિધ વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે. ખાસ વાત એ છે કે દિવ્યાંગ બાળકો અને સિનિયર સિટિઝન મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓને પણ આ અભિયાનમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા તેમની કળા અને મહેનતને યોગ્ય પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરત પોલીસના 37 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો આ સ્ટોલ પરથી ખરીદી કરશે. આ બે દિવસીય આયોજન દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા ખરીદવામાં આવેલી વસ્તુઓ જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને દિવાળીની ભેટ તરીકે આપવામાં આવશે. આમ, આ અભિયાન માત્ર સ્થાનિક ઉત્પાદનોના વેચાણ પૂરતું સીમિત નથી, પરંતુ તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ છે.

સુરત પોલીસ દ્વારા શહેરના તમામ ઝોનમાં પણ પોલીસ સ્ટેશન કક્ષાએ આ પ્રકારનું આયોજન કરવામાં આવશે. તેના કારણે વધુમાં વધુ સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પોતાની વસ્તુઓના વેચાણ માટે તક મળશે.

પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવો, નાના કારીગરો અને લઘુ ઉદ્યોગોને આર્થિક રીતે મજબૂત બનાવવો તેમજ દિવ્યાંગ બાળકો અને મહિલાઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. સુરત પોલીસની આ અનોખી પહેલથી દિવાળીના તહેવારમાં 'વોકલ ફોર લોકલ'નો સંદેશ પણ લોકો સુધી પહોંચશે.
સંબંધિત સમાચાર

Woollen Clothes Smell: ઊનના કપડાંમાંથી આવે છે દુર્ગંધ? ધોતી વખતે અપનાવો આ સરળ ઉપાયો

Vadodara Liquor Raid: અટલાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 5,256 દારૂની બોટલો સહિત રૂપિયા 28.18 લાખનો મુદ્દામાલ જપ્ત



