Gandhinagarના રૂપાલથી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નો પ્રારંભ, હર્ષ સંઘવીએ પ્રજ્વલિત કરી મશાલ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

રૂપાલ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મશાલ પ્રજ્વલિત કરીને ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું.

આ યાત્રાને જનસેવા, પારદર્શિતા અને સુશાસનના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાય તે જ આ સંકલ્પનો મુખ્ય ઉદ્દેશ છે.

મશાલ યાત્રા પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેઓ મશાલ યાત્રામાં જનમેદની સાથે ચાલ્યા હતા અને ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી આ જિલ્લા કક્ષાની મશાલ યાત્રા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે જાહેરજીવનમાં પૂર્ણ કરેલા 25 વર્ષના સેવાયજ્ઞનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઐતિહાસિક અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી દેશભરના વિવિધ શહેરોમાં જીવંત પ્રસારણ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રભારી રમેશભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, અધિક કલેક્ટર અમિત પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, રૂપાલ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા નાગરિકો હાજર રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





