Bhavsinhji Government General Hospital : હોસ્પિટલના ધક્કા બંધ, પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હવે લેબ ટેસ્ટના રિપોર્ટ વોટ્સએપ પર મળશે


પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હવે લેબ ટેસ્ટના રિપોર્ટ વોટ્સએપ પર મળશે, હોસ્પિટલમાં લાંબી કતારોમાં ઊભા રહેવું અને લેબોરેટરીના રિપોર્ટ મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓ માટે રિપોર્ટ લેવા ફરી હોસ્પિટલ પહોંચવું સમય અને નાણાં બંનેનો ખર્ચ વધારતું હોય છે. ત્યારે પોરબંદરની GMERS સંચાલિત ભાવસિંહજી સરકારી જનરલ હોસ્પિટલે દર્દીઓની આ મુશ્કેલી દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે.

આ હોસ્પિટલની લેબોરેટરીમાં થતા તમામ 135 પ્રકારના ટેસ્ટના રિપોર્ટ સીધા દર્દીઓના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવે છે. રિપોર્ટ તૈયાર થયા બાદ દર્દીને PDF સ્વરૂપે મોબાઈલમાં જ રિપોર્ટ મળી જાય છે. આથી રિપોર્ટ લેવા માટે ફરી હોસ્પિટલ આવવાની જરૂર રહેતી નથી.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગૌરવ ભંભાણીના જણાવ્યા અનુસાર, આ સુવિધા હેઠળ દર્દીઓને સરળતાથી રિપોર્ટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં રજિસ્ટ્રેશનથી લઈને સારવાર સુધીની સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ ડિજિટલ સુવિધા સરકારી આરોગ્ય સેવાઓને વધુ સરળ અને દર્દીલક્ષી બનાવવાના પ્રયાસનો એક ભાગ છે.

આ સુવિધાનો લાભ લેવા માટે દર્દીએ OPD રજિસ્ટ્રેશન કરાવતી વખતે અથવા લેબોરેટરીમાં સેમ્પલ આપતી વખતે પોતાનો વોટ્સએપ નંબર નોંધાવવાનો રહે છે. ત્યારબાદ ટેસ્ટનો રિપોર્ટ તૈયાર થતાં જ તે PDF ફાઇલ તરીકે સીધો દર્દીના મોબાઈલ પર મોકલી આપવામાં આવે છે. આમ, દર્દીઓને રિપોર્ટ મેળવવા માટે હોસ્પિટલના વધારાના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.

આ ઉપરાંત, મોબાઈલમાં રિપોર્ટનો ડિજિટલ રેકોર્ડ સચવાઈ રહેતો હોવાથી ભવિષ્યમાં અન્ય તબીબને રિપોર્ટ બતાવવો પણ સરળ બને છે. કાગળના રિપોર્ટ સાચવી રાખવાની મુશ્કેલી પણ ઘટે છે. હોસ્પિટલના લેબ ટેકનિશિયન પ્રશાંત કિશોરના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થાથી રિપોર્ટ પહોંચાડવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થઈ રહી છે. મહત્ત્વની વાત એ છે કે દરરોજ અંદાજે 1000થી 1500 દર્દીઓને આ સુવિધાનો સીધો લાભ મળી રહ્યો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દર્દીઓનો સમય, મુસાફરીનો ખર્ચ અને મહેનત બચી રહ્યાં છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી જનરલ હોસ્પિટલની આ પહેલ સરકારી આરોગ્ય સેવાઓમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને વધુ સુવિધા કેવી રીતે આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




