ફોટો ગેલેરી

Gujarat Women Empowerment : ઘરઆંગણે શાકભાજી ઉગાડી ગુજરાતની 15.04 લાખ મહિલાઓ બની આત્મનિર્ભર

Gujarat Women Empowerment : ગુજરાતમાં 15.04 લાખ મહિલાઓ એગ્રી-ન્યુટ્રી ગાર્ડન દ્વારા ઘરઆંગણે શાકભાજી ઉગાડી રહી છે. પરિવારને પોષણ, ખર્ચમાં બચત અને વધારાની આવકનો લાભ મળી રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
1 / 5
Gallery Image 1

મોંઘવારીના સમયમાં ઘરવપરાશની શાકભાજીનો ખર્ચ ઘટાડવાની સાથે પરિવારને તાજાં અને પોષણયુક્ત શાકભાજી મળી રહે તો કેવું? આ વિચારને સાકાર કરી રહી છે ગુજરાતની 15.04 લાખ મહિલાઓ. ઘરઆંગણું હોય, ખેતર હોય કે વાડીની થોડીક જગ્યા, તેનો સદુપયોગ કરીને મહિલાઓ વિવિધ પ્રકારનાં શાકભાજી અને કઠોળનું ઉત્પાદન કરી રહી છે. રાજ્યમાં અમલી એગ્રી-ન્યુટ્રી ગાર્ડનની આ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે ગ્રામ્ય પરિવારોમાં પોષણ સુરક્ષા અને ટકાઉ ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે.

2 / 5
Gallery Image 2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલોના ભાગરૂપે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એગ્રી-ન્યુટ્રી ગાર્ડનનો વ્યાપ વધી રહ્યો છે. સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલા ખેડૂતો પોતાના ઘર, ખેતર કે વાડીમાં ઉપલબ્ધ જગ્યામાં જ શાકભાજીનું ઉત્પાદન કરીને પરિવારની જરૂરિયાત પૂરી કરવાની સાથે વધારાની આવક મેળવી રહી છે.

3 / 5
Gallery Image 3

એગ્રી-ન્યુટ્રી ગાર્ડન એટલે ઘર કે ખેતરની ઉપલબ્ધ જગ્યામાં પોષણક્ષમ શાકભાજી, કઠોળ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી અને અન્ય ખાદ્ય પાકોનું ઘરગથ્થુ ઉત્પાદન. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ્ય પરિવારોને તાજો, સ્વચ્છ અને પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ બજારમાંથી શાકભાજી ખરીદવા પાછળ થતો ખર્ચ ઘટાડવો અને વધારાનું ઉત્પાદન વેચીને મહિલાઓને આવકનું વધારાનું સાધન પૂરું પાડવાનો છે.

4 / 5
Gallery Image 4

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુમરાસર ગામનાં ગીતાબેન મેરીયા આ પહેલનું જીવંત ઉદાહરણ છે. આંબેડકર સખી મંડળ સાથે જોડાયેલાં ગીતાબેનને સ્વસહાય જૂથના માધ્યમથી એગ્રી-ન્યુટ્રી ગાર્ડન માટે બિયારણ અને ખેતી અંગે જરૂરી માર્ગદર્શન મળ્યું હતું. તેમણે પોતાના ઘર પાસે ઉપલબ્ધ જગ્યામાં ટામેટાં, મરચાં, રીંગણ, ભીંડા, મેથી સહિત વિવિધ લીલાં શાકભાજીનું વાવેતર શરૂ કર્યું. ગીતાબેનના જણાવ્યા અનુસાર, અગાઉ પરિવાર માટે શાકભાજી બજારમાંથી ખરીદવી પડતી હતી, પરંતુ હવે ઘરેથી જ તાજાં શાકભાજી મળી રહે છે. એટલું જ નહીં, જરૂરિયાત કરતાં વધારાનું ઉત્પાદન પડોશમાં વેચીને તેઓ વધારાની આવક પણ મેળવી રહ્યાં છે.

5 / 5
Gallery Image 5

એગ્રી-ન્યુટ્રી ગાર્ડનના કારણે ગ્રામ્ય પરિવારોને એકસાથે અનેક લાભ મળી રહ્યા છે. ઘરમાં જ શાકભાજીનું ઉત્પાદન થવાથી પરિવારને તાજો અને પોષણયુક્ત ખોરાક મળે છે, બજારમાંથી શાકભાજી ખરીદવાનો ખર્ચ ઘટે છે અને વધારાનું ઉત્પાદન વેચવાથી આવકમાં વધારો થાય છે. આ ઉપરાંત, કુદરતી અને જૈવિક ઇનપુટ્સના ઉપયોગથી પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. મહિલાઓની કૃષિ ક્ષેત્રે સક્રિય ભાગીદારી વધવાની સાથે ગ્રામ્ય સ્તરે આર્થિક સ્વાવલંબનનો માર્ગ પણ મજબૂત બની રહ્યો છે. ઘરઆંગણે ઉગાડેલું શાકભાજી માત્ર પરિવારના ભોજનની જરૂરિયાત પૂરી કરવાનું સાધન નથી રહ્યું, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે પોષણ, બચત અને આવકનું નવું માધ્યમ બની રહ્યું છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે