Mann Ki Baat Sanchar Saathi: મન કી બાતમાં PM મોદીએ કરી સંચાર સાથી એપની પ્રશંસા, ખોવાયેલો મોબાઇલ શોધવામાં કેવી રીતે કરે છે મદદ?

Mann Ki Baat Sanchar Saathi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 29 નવેમ્બરે 'મન કી બાત'ના 140મા એપિસોડમાં સંચાર સાથી પ્લેટફોર્મની કામગીરીની પ્રશંસા કરી હતી.
Nisha Parmar
Nisha Parmar
Mann Ki Baat PM Modi Sanchar Saathi app સંચાર સાથીMann Ki Baat PM Modi Sanchar Saathi app સંચાર સાથી

Mann Ki Baat PM Modi Sanchar Saathi app સંચાર સાથી

Mann Ki Baat Sanchar Saathi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 29 નવેમ્બરે 'મન કી બાત'ના 140મા એપિસોડમાં સંચાર સાથી પ્લેટફોર્મની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોબાઇલ ફોન ખોવાઈ જાય તો તેમાં રહેલા સંપર્કો, ફોટા અને મહત્ત્વના દસ્તાવેજો ગુમાવવાની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં સંચાર સાથી એપ અને પોર્ટલની મદદથી ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલને બ્લોક કરાવી શકાય છે અને તેને શોધવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. PM મોદીએ આ પહેલને સાયબર છેતરપિંડી રોકવા માટે પણ ઉપયોગી ગણાવી હતી.

સંચાર સાથી પોર્ટલને 30 કરોડથી વધુ વખત મુલાકાત

PM મોદીએ જણાવ્યું હતું કે સંચાર સાથી પોર્ટલને અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ વખત મુલાકાત મળી છે, જ્યારે તેની મોબાઇલ એપ લગભગ 3 કરોડ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ આંકડા ડિજિટલ સુરક્ષા અને મોબાઇલની સુરક્ષા અંગે લોકોમાં વધતી જાગૃતિ દર્શાવે છે.

ખોવાયેલો મોબાઇલ કેવી રીતે શોધવામાં મદદ કરે છે એપ?

સંચાર સાથી એપ અથવા પોર્ટલ પર નાગરિકો પોતાનો ખોવાયેલો કે ચોરાયેલો મોબાઇલ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાયા બાદ સંબંધિત મોબાઇલનું IMEI નંબર ભારતીય ટેલિકોમ નેટવર્કમાં બ્લોક કરવામાં આવે છે. ત્યારબાદ તે ફોનમાં કોઈ અન્ય સિમ કાર્ડ નાખીને ઉપયોગ કરવાનો પ્રયાસ થાય તો તેની માહિતી સિસ્ટમમાં નોંધાય છે. આ માહિતીના આધારે પોલીસ મોબાઇલને ટ્રેસ કરવામાં મદદ મેળવી શકે છે.

1,600થી વધુ સંસ્થાઓ સંચાર સાથી સાથે જોડાયેલી

વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, બેંકો, પેમેન્ટ એપ્સ, ટેલિકોમ કંપનીઓ અને પોલીસ સહિત 1,600થી વધુ સંસ્થાઓ સંચાર સાથી સાથે જોડાયેલી છે. આ સંકલનના કારણે સાયબર છેતરપિંડીના અનેક પ્રયાસોને સમયસર અટકાવવામાં મદદ મળી રહી છે.

સાયબર છેતરપિંડીમાં 5,000 કરોડ રૂપિયાથી વધુનું સંભવિત નુકસાન અટકાવ્યું

PM મોદીએ જણાવ્યું હતું કે સંચાર સાથી સિસ્ટમની મદદથી અત્યાર સુધીમાં 5,000 કરોડ રૂપિયાથી વધુનું સંભવિત સાયબર છેતરપિંડીનું નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ મોબાઇલ સુરક્ષા ઉપરાંત શંકાસ્પદ કોલ, SMS અને વોટ્સએપ સંદેશા દ્વારા થતી છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં પણ મદદ કરે છે.

યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ

મન કી બાતના આ એપિસોડમાં વડાપ્રધાને 'નશામુક્ત યુવા અભિયાન'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવા યુવાનોના ઉદાહરણો રજૂ કર્યા હતા, જેમણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિના આધારે નશાની લતમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો છે. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

સરકારી કર્મચારીઓ માટે AI સહિતના 7 હજારથી વધુ કોર્સ

PM મોદીએ 'iGOT કર્મયોગી' ડિજિટલ પ્લેટફોર્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ માટે 17 ભારતીય ભાષાઓમાં 7,000થી વધુ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેક્નોલોજી સંબંધિત 200થી વધુ કોર્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Jharkhand Ramgarh Accident: ઝારખંડના રામગઢમાં 13 લોકોનાં મોતથી શોકનો માહોલ, અનેક નેતાઓ અને મંત્રીઓએ વ્યક્ત કરી સંવેદના