Gujarat Governor : રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના ગોલથરામાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી, ખેડૂતોને આપ્યું માર્ગદર્શન


કાર્યક્રમમાં જીવામૃત અને ઘનજીવામૃત અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન પણ યોજાયું હતું. તેમાં છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડ કે પીપળા નીચેની માટીના યોગ્ય પ્રમાણ તથા તેના ઉપયોગ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતી વિવિધ પ્રોડક્ટના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલે ગામના અન્ય પ્રગતિશીલ ખેડૂત મનાજી ઠાકોરના ફાર્મની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વહસ્તે દેશી ગાયનું દૂધ દોહ્યું હતું અને ભારતીય નસલની ગાયોના સંવર્ધન તથા ગૌપાલનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ સ્થાન છે. ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

ખેડૂતોને સંબોધતાં રાજ્યપાલે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ ગણાવ્યો હતો. ખેડૂતોને બજાર આધારિત મોંઘા ખાતરો પરની નિર્ભરતા ઘટાડીને ઘરે જ પ્રાકૃતિક ખાતરો તૈયાર કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.

‘આઝાદ મોડલ પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત દરમિયાન રાજ્યપાલે જમીનની ગુણવત્તા, અળસિયાની હાજરી, વૃક્ષો અને પાકનું નિરીક્ષણ કર્યું હતું. ફાર્મની જમીન ફળદ્રુપ અને પોચી હોવા સાથે પાકની સમૃદ્ધિ જોઈ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે ફાર્મમાં હળ ચલાવી ગૌ-આધારિત ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. ખેડૂત રવાજી ઠાકોરના પ્રયોગોને બિરદાવતાં અન્ય ખેડૂતોને પણ આ મોડલમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનને વધુ વેગ આપવાના હેતુથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર જિલ્લાના ગોલથરા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રગતિશીલ ખેડૂત રવાજી ઠાકોરના ‘આઝાદ મોડલ પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લઈ ખેતીની પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને તેના વ્યવહારુ ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




