Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Gandhinagar: ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ધ્રુવ પર્વની ભવ્ય ઉજવણી

Gandhinagar: ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલની આઠમી આવૃત્તિ 27 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સંપન્ન થઈ. 25થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ભારતની સમૃદ્ધ શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પરંપરાઓની ભાવપૂર્ણ પ્રસ્તુતિઓ થઈ. આ મહોત્સવમાં 51થી વધુ કલાકારોએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, હવેલી સંગીત, પખાવજ, જલ તરંગ, તબલા અને ઓડિસી નૃત્ય એક જ મંચ પર રજૂ કરવામાં આવ્યા.
Nancy ShuklaUpdated on: 29 Sep 2026 08:25 PM IST
1 / 6
Gallery Image 1

આ ત્રણેય દિવસ દરમિયાન સંગીત પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દર્શકો તરફથી કલાકારોને અત્યંત ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો. ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. મયુરભાઈ જોષીએ જણાવ્યું હતું કે, “ધ્રુવ પર્વ એ ભારતીય શાસ્ત્રીય કળાઓની સમૃદ્ધિને પ્રેક્ષકોની વધુ નજીક લાવવાનો અને પ્રસ્થાપિત તથા યુવા બંને કલાકારો માટે એક સાર્થક મંચ ઊભો કરવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા, અમે આપણી સંગીત પરંપરાઓની ઉજવણી કરવા, ગુરુ-શિષ્ય પરંપરાને મજબૂત કરવા અને નવી પેઢીને ભારતના સાંસ્કૃતિક વારસા સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ. આ ત્રણ દિવસ દરમિયાન પ્રેક્ષકો તરફથી મળેલો પ્રતિસાદ અમારા માટે અત્યંત પ્રોત્સાહક રહ્યો છે.”

2 / 6
Gallery Image 2

ધ્રુવભાઈ જોષીની સ્મૃતિમાં 'ઉદગમ કલા સન્માન' થી નયનભાઈ પંચોલીને સુગમ સંગીત અને ડૉ. પ્રણવ પંડ્યાને પણ કલા અને સંગીતના ક્ષેત્રમાં તેમના પ્રદાન અને સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે મહોત્સવની શરૂઆત શાશ્વતી ભટ્ટાચાર્યના શાસ્ત્રીય ગાયનથી થઈ હતી, જેમણે રાગ પૂરિયા કલ્યાણમાં બંદિશો રજૂ કરી હતી, ત્યારબાદ તેમણે ગીત ગોવિંદની અષ્ટપદી રજૂ કરી હતી. તેમની સાથે તબલા પર બિમલ ભટ્ટાચાર્ય અને હાર્મોનિયમ પર પ્રિયાંશ રાજપૂતે સંગત કરી હતી. બીજી પ્રસ્તુતિમાં શ્રી પુરુષોત્તમ રાયજીએ પખાવજ વાદન કર્યું હતું, જેમાં પરંપરાગત રચનાઓ, પરન, ટુકડા, તિહાઈ અને જટિલ લયકારી દ્વારા પખાવજ પરંપરાની સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી.

3 / 6
Gallery Image 3

પ્રથમ દિવસનું સમાપન ગોસ્વામી જિગીષા બેટીજી દ્વારા વિશેષ હવેલી સંગીતની પ્રસ્તુતિ સાથે થયું હતું. તેમની સાથે તેમની પુત્રીઓ કુ.કૃષ્ણરૂપ અને યમુનાજી પણ જોડાયાં હતાં. શ્રી વલ્લભાચાર્યની ભક્તિ પરંપરા અને અષ્ટછાપ કવિઓની રચનાઓ પર આધારિત આ પ્રસ્તુતિમાં રાગ, સમય, ઋતુ અને હવેલીમાં ગાયન પરંપરા વચ્ચેના અદભૂત સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. દ્વિતીય દિવસે પ્રથમ પ્રસ્તુતિ પં. શિશિરચંદ્ર ભટ્ટના જલ તરંગ વાદનથી થઈ હતી, જેમાં તેમણે રાગ કિરવાણીની સાથે સુરીલી અને લયબદ્ધ પરંપરાઓનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. તેમની સાથે તબલા પર વિજય મોરે, પખાવજ પર પં. હેમંત ભટ્ટ અને હાર્મોનિયમ પર પ્રિયાંશ રાજપૂતે સંગત કરી હતી.

4 / 6
Gallery Image 4

દ્વિતીય પ્રસ્તુતિ બાળકલાકારો કુ. કૃષ્ણરૂપા ચેનુર અને કુ. યમુના ચેનુર દ્વારા રાગ બાગેશ્રીમાં શાસ્ત્રીય ગાયન અને ભક્તિમય રચનાઓ રજૂ કરવામાં આવી હતી. તૃતીય પ્રસ્તુતિ લક્ષ્મણ બાવાજીના શિષ્યો દ્વારા પખાવજનું સમૂહ વાદન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત લયબદ્ધ રચનાઓ દર્શાવવામાં આવી હતી. અંતિમ પ્રસ્તુતિ ડૉ. શિવાની કિનારીવાલાની શરણ્યમ એકેડેમીના શિષ્યો દ્વારા સમૂહ શાસ્ત્રીય ગાયન રજૂ કરાયું હતું. તેમની પ્રસ્તુતિએ ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી પેઢી સુધી પહોંચાડવામાં ગુરુ-શિષ્ય પરંપરાની ભૂમિકાને સુપેરે ઉજાગર કરી હતી.

5 / 6
Gallery Image 5

અંતિમ દિવસની પ્રથમ પ્રસ્તુતિ જાણીતા ઓડિસી નૃત્યાંગના ડૉ. સુપ્રભા મિશ્રા અને તેમના શિષ્યો દ્વારા પ્રસ્તુત ઓડિસી નૃત્ય-નાટિકા 'ગાંધારી'થી થઈ હતી. શાસ્ત્રીય હલનચલન, મુદ્રાઓ અને અભિનય દ્વારા, આ પ્રસ્તુતિમાં ગાંધારીના પાત્ર અને તેની ભાવનાત્મક દુનિયાને જીવંત કરવામાં આવી હતી. દ્વિતીય પ્રસ્તુતિ મેવાતી ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી અમી પરીખ દ્વારા હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમની પ્રસ્તુતિમાં રાગ મેઘ, ભૂપાલી અને માલગુંજીની બંદિશોનો સમાવેશ થતો હતો. તેમની સાથે હાર્મોનિયમ પર પં. શિશિરચંદ્ર ભટ્ટ અને તબલા પર માધવ દવેએ સંગત કરી હતી. મહોત્સવનું સમાપન ગાંધીનગરના અરવિંદ કેન્દ્રના તબલા કલાકાર અને શિક્ષક અરવિંદભાઈ વોરા અને તેમના શિષ્યો હાર્દ વસાવડા, રિયાન વોરા, નિત્ય પંડ્યા દ્વારા સમૂહ તબલા વાદન સાથે થયું હતું. આ પ્રસ્તુતિમાં ઠેકા, કાયદા, પલટા, ગત, ટુકડા, રેલા અને ચક્રદાર રચનાઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ત્રણ દિવસીય મહોત્સવનું લયબદ્ધ અને જીવંત શૈલીમાં સમાપન કર્યું હતું.

6 / 6
Gallery Image 6

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં ત્રણ દિવસ સુધી 'ધ્રુવ પર્વ' અંતર્ગત ભારતની શાસ્ત્રીય સંગીતની પરંપરાઓ અને ગુરુ-શિષ્ય વારસાની ઉજવણીમાં શાસ્ત્રીય ગાયન, હવેલી સંગીત, ધ્રુપદ, ખયાલ, કીર્તન, ભજન, જલ તરંગ, પખાવજ, તબલા અને ઓડિસીને એકસાથે લાવીને પ્રેક્ષકોને એક જ મંચ પર ભારતીય શાસ્ત્રીય કલાઓની વિવિધ પરંપરાઓનો અનુભવ કરવાની તક પૂરી પાડી હતી.ત્રિ-દિવસીય કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી પારુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન કલાકારો માટે પ્રેક્ષકોના ઉત્સાહ અને ઉષ્માભર્યા પ્રતિસાદ સાથે, 'ધ્રુવ પર્વ'ની આઠમી આવૃત્તિ ભારતના સંગીત, લય, ભક્તિ, નૃત્ય અને શાસ્ત્રીય કલાઓના સમૃદ્ધ વારસાની એક અદભૂત ઉજવણી બની રહી.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.