Dahod News: રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પ્રાંત કચેરીના સભાખંડમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અને સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન, DRDA નિયામક પલ્લવીબેન, દાહોદના નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન સ્વચ્છ ભારત મિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, સિંચાઈ, પાણી પુરવઠો, નળ સે જળ યોજના, કૃષિ, વીજળી, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પશુપાલન, આદિજાતિ વિકાસ, સામાજિક વનીકરણ અને પોલીસ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યોજનાઓની તાલુકાવાર પ્રગતિ, કામગીરીની સ્થિતિ, લાભાર્થીઓની વિગતો તેમજ આગામી આયોજન અંગે મંત્રીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમંત્રી પ્રવિણ માળીએ ખાસ કરીને લીમખેડા તાલુકામાં પીવાના પાણીની સુવિધા, સિંચાઈ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, વીજળી અને આદિજાતિ કલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યોની વિગતો મેળવી હતી. પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

મંત્રીએ તમામ વિભાગોના સંકલન અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી જવાબદારીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જ પ્રજાલક્ષી વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરી તેનો અહેવાલ રજૂ કરવા ભાર મૂક્યો હતો. તેમણે સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને ખંત, નિષ્ઠા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




