Chhota Udepur: રામ ટેકરીમાં DyCM હર્ષ સંઘવીનો મહિલાઓ સાથે સંવાદ, શિક્ષણ અને સ્વાવલંબન માટે કરી અપીલ


Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રામ ટેકરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 'મન કી બાત' અને પ્રગતિશીલ મહિલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ આદિવાસી સમાજની મહિલાઓ સાથે સંવાદ કરી શિક્ષણ, રોજગાર, આર્થિક સ્વાવલંબન અને વ્યાજમુક્તિ જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.

હર્ષ સંઘવીએ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી બહેનોએ શિક્ષણ, રોજગાર અને વ્યાજમુક્તિના ક્ષેત્રમાં અગ્રેસર બની પોતાના પરિવાર અને સમાજના વિકાસનું નેતૃત્વ કરવું જોઈએ. મહિલાઓમાં રહેલી કુદરતી શક્તિ અને ક્ષમતાને ઓળખીને તેનો યોગ્ય ઉપયોગ કરવાની પણ તેમણે અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના દીકરા-દીકરીઓ આજે રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ મેળવી રહ્યા છે. ત્યારે માતાઓએ પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેઓ વ્યસનોથી દૂર રહે તે માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ. પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પણ મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહિલાઓને સરકારની લખપતિ દીદી યોજના, સોલર પંપ યોજના અને વિદ્યાર્થીઓ માટેની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા સ્વાવલંબનને પ્રોત્સાહન આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટોલ સંચાલક મહિલાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે તેમણે પ્રખ્યાત સંખેડા ફર્નિચર પેઇન્ટિંગમાં પણ જાતે હાથ અજમાવ્યો હતો. કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી પુંજાર ફળિયામાં યોજાયેલી ગામદેવતાની પૂજાવિધિમાં પણ સહભાગી થયા હતા. આદિવાસી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવતી ખત્રી પૂજા દ્વારા પૂર્વજોની સ્તુતિ કરવામાં આવે છે. આ પરંપરા આદિવાસી સમાજમાં સુખ-શાંતિ અને સાંસ્કૃતિક આસ્થા સાથે જોડાયેલી છે.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




