Bhadravi Amavasya: નિષ્કલંક મહાદેવ ખાતે ભક્તોનું ઘોડાપૂર, SP નિતેશ પાંડે સહિત દિવ્યેશ સોલંકીએ કર્યા દર્શન


ભાવનગર નજીક આવેલા પવિત્ર યાત્રાધામ કોળિયાક ખાતે ભાદરવી અમાસના પવિત્ર પર્વે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ભક્તોની ભારે ભીડથી ઉભરાયું હતું.

ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભાવનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

આ પવિત્ર પ્રસંગે ભાવનગરના SP નિતેશ પાંડે પણ પરિવાર સાથે નિષ્કલંક મહાદેવ ખાતે પહોંચ્યા હતા. તેમણે મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના સાથે આરતીનો લાભ લીધો હતો.

રાજ્યના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પણ નિષ્કલંક મહાદેવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાદેવના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો.

ભક્તોની ભારે ભીડને પગલે સમગ્ર કોળિયાક પંથકમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજકો તથા સેવાભાવી કાર્યકરોએ પણ વિવિધ વ્યવસ્થાઓ સંભાળી હતી.




