અમદાવાદના CG રોડ પર પેલિકન સિગ્નલનો ટ્રાયલ શરૂ, પદયાત્રીઓની સલામતીને મળશે પ્રાથમિકતા



અમદાવાદના CG રોડ પર પેલિકન સિગ્નલનો ટ્રાયલ શરૂ, પદયાત્રીઓની સલામતીને મળશે પ્રાથમિકતા



અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક C.G. રોડ (મ્યુનિસિપલ માર્કેટ નજીક) પર પેલિકન (પુશ-બટન ઓપરેટેડ) ટ્રાફિક સિગ્નલનો ટ્રાયલ આધારિત પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ પદયાત્રીઓની સુરક્ષા વધારવો અને શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સરળ બનાવવાનો છે. હાલ આ સિગ્નલનું સંચાલન અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યું છે અને તેની કામગીરી પર સતત નજર રાખવામાં આવશે.
જો આ ટ્રાયલ સફળ સાબિત થશે તો શહેરના અન્ય ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પણ આવા પેલિકન સિગ્નલ્સ સ્થાપિત કરવામાં આવશે.
પેલિકન સિગ્નલ એક પુશ-બટન આધારિત સિસ્ટમ છે, જે ખાસ કરીને પદયાત્રીઓ માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ નાગરિકને રસ્તો પાર કરવો હોય ત્યારે સિગ્નલ પોળ પર લાગેલું બટન દબાવવાનું રહે છે. બટન દબાવતા જ થોડા જ સેકન્ડમાં વાહનો માટેનું સિગ્નલ લાલ થઈ જાય છે, જેથી વાહનો રોકાઈ જાય છે અને પદયાત્રીઓને સલામત રીતે રસ્તો પાર કરવાનો સમય મળે છે.
AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં આ નવી સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરીને પદયાત્રીઓને સહયોગ આપે, જેથી સૌ માટે સુરક્ષિત અને સુગમ મુસાફરી શક્ય બને.




