હંગામા વચ્ચે શરૂ થયું સંસદનું ચોમાસુ સત્ર, વિરોધ પક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત


હંગામા વચ્ચે શરૂ થયું સંસદનું ચોમાસુ સત્ર, વિરોધ પક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત


નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર સોમવારે જોરદાર હોબાળા અને નારેબાજી વચ્ચે શરૂ થયું. સત્રના પ્રથમ જ દિવસે વિરોધ પક્ષના સાંસદોએ લોકસભાના વેલમાં આવી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. સતત હોબાળાને પગલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોર સુધી માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ ઓમ બિરલાએ દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વિરોધ પક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કરતાં ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો.
અધ્યક્ષ ઓમ બિરલાએ અનેક વખત શાંતિ જાળવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, "સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે અને દરેક સભ્યને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે." તેમ છતાં વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો ચાલુ રાખતાં કાર્યવાહી આગળ વધી શકી નહોતી.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલાં તમામ સાંસદોને સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે અને સંસદનું સકારાત્મક વાતાવરણ આ ગતિમાં નવી ઊર્જા ઉમેરી શકે છે.
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે સંસદમાં તથ્ય અને તર્કના આધારે ચર્ચા થવી જોઈએ. "જ્યાં તથ્ય અને તર્ક હોય છે, ત્યાં તોફાન માટે કોઈ જગ્યા હોતી નથી. દરેક અવાજને તક અને દરેક વિચારને સન્માન મળવું જોઈએ," એમ તેમણે જણાવ્યું હતું.




