Tulsi Vivah : ડાકોરમાં રણછોડરાયજીના શાહી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ Video
Tulsi Vivah : ડાકોરમાં રણછોડરાયજીના શાહી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ Video
Tulsi Vivah : ડાકોરના પવિત્ર ધામમાં કાળિયા ઠાકોર શ્રી રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયા હતા. આ પાવન પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. ઠાકોરજી અને તુલસી માતાના દિવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. શાહી વિવાહના પ્રસંગે મંદિરના 14 જેટલા કુંજ મંડપમાં ઠાકોરજી અને તુલસી માતા સુવર્ણ સ્વરૂપે બિરાજમાન થયા હતા. તેમના દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક ઉત્સવને ભવ્ય બનાવવા મંદિર પરિસરને દીપમાળા અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. રોશનીથી ઝળહળતા મંદિર પરિસરનું દૃશ્ય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શાહી વિવાહના પ્રસંગે આતશબાજી પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.




