
Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સુરક્ષિત રોકાણની વધતી માંગ અને કેન્દ્રીય બેંકોની સતત ખરીદીથી કિંમતી ધાતુઓને સપોર્ટ મળ્યો છે. બીજી તરફ, રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના મહત્વપૂર્ણ આંકડા પર છે, જે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગે સંકેત આપી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી લશ્કરી ચેતવણી આપતાં 1000 મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આક્રમક નિવેદન સામે ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરતાં વળતા પ્રહારની ચેતવણી આપી છે. બંને દેશોના આકરા વલણ વચ્ચે પશ્ચિમ એશિયામાં મોટા સૈન્ય સંઘર્ષનો ખતરો ફરી ઘેરાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ એક ગુપ્ત સૈન્ય અભિયાન હેઠળ Strait of Hormuzમાંથી 10 કરોડ (100 મિલિયન)થી વધુ બેરલ તેલ સુરક્ષિત રીતે બહાર કાઢ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ કામગીરી દરમિયાન 200થી વધુ વેપારી જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો હતો.

‘ઇરાન વાયર’ના અહેવાલ અનુસાર, ઇરાની સંસદની નેશનલ સિક્યુરિટી અને ફોરેન પોલિસી કમિટીના ચેરમેન Ebrahim Aziziએ જણાવ્યું કે ઇસ્લામિક રિપબ્લિકની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા “કાઉન્ટર-એક્શન” નામની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને 50 મિલિયન યુરો ઇનામ આપવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.