
Junagadh: જૂનાગઢ શહેરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિભાગ, જૂનાગઢ દ્વારા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (16 વર્ષ)ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદમાં સપ્ટેમ્બર 2026માં યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે યોજાયેલી બેઠકમાં રમતગમતના વિકાસ અને ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે ચર્ચા થઈ હતી, જ્યારે SAG, AAI અને GSAA વચ્ચે MoU પણ કરવામાં આવ્યું હતું.