
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીના દિવ્ય દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યારે મંદિર પરિસર ‘જય જગન્નાથ’ના ગગનભેદી નાદથી ગૂંજી ઊઠ્યું હતું.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તાર દરિયાપુરમાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો સાથે એકતા રેલી યોજી શાંતિ અને કોમી સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.