
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના પીંપણ ગામ સ્થિત આદર્શ પીંપણ પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કર્યું તેમજ તેમને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું.

વિરમગામ શહેરમાં સ્ટેટ હાઇવે નં. 17 પર રોડ વિસ્તરણ અને જાહેર હિતના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વિશાળ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આવેલા વિવિધ દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.