
અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ દરમિયાન જમાલપુર ચાર રસ્તા પાસેથી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી આશરે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસે રાત્રિના સમયે ખાસ નાઇટ ડોમિનેશન ડ્રાઇવ હાથ ધરી હતી. શહેરના અંદાજે 150 સંવેદનશીલ અને વ્યસ્ત પોઇન્ટ પર રાત્રે 12થી 2 વાગ્યા સુધી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.