Kickboxing World Cup In Tashkent : વડોદરાની ડિંકલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં લહેરાવ્યો ભારતનો તિરંગો, વર્લ્ડ કપમાં જીત્યાં 3 મેડલ

Kickboxing World Cup In Tashkent : સાહસ અને દ્રઢ નિશ્ચય હોય તો કોઈપણ પડકાર સફળતાના માર્ગમાં અવરોધ બની શકતો નથી, તે વાત વડોદરાની ખેલાડી ડિંકલ ગોરખાએ સાબિત કરી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Oct 2026 10:15 AM IST
Kickboxing World Cup In Tashkent : વડોદરાની ડિંકલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં લહેરાવ્યો ભારતનો તિરંગો, વર્લ્ડ કપમાં જીત્યાં 3 મેડલKickboxing World Cup In Tashkent : વડોદરાની ડિંકલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં લહેરાવ્યો ભારતનો તિરંગો, વર્લ્ડ કપમાં જીત્યાં 3 મેડલ

Kickboxing World Cup In Tashkent, વડોદરાની ડિંકલ ગોરખા

Kickboxing World Cup In Tashkent : ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે યોજાયેલા 'ઉઝબેકિસ્તાન કિકબોક્સિંગ વર્લ્ડ કપ 2026'માં ડિંકલે શાનદાર પ્રદર્શન કરીને બે સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ ત્રણ મેડલ જીતી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. કિકબોક્સિંગ એસોસિએશન, ગુજરાત સાથે સંકળાયેલી ડિંકલ આ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર ખેલાડી હતી.

કોચ સિદ્ધાર્થ ભાલેઘરેના માર્ગદર્શન હેઠળ 'સિદ્ધાર્થ ફિટનેસ ક્લબ'માં તાલીમ લઈ તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. સખત મહેનત, સતત અભ્યાસ અને કોચના તકનીકી માર્ગદર્શનના સહારે ડિંકલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામે પોતાની રમતકૌશલ્ય અને લડાયક મનોબળનું પ્રદર્શન કર્યું હતું.

કિકબોક્સિંગ વર્લ્ડ કપમાં વડોદરાની દીકરીનો કમાલ

ડિંકલે વર્લ્ડ કપમાં ત્રણ અલગ-અલગ કેટેગરીમાં મેડલ મેળવ્યા છે. જેમાં પોઈન્ટ ફાઈટ (-60 કિલોગ્રામ)માં સિલ્વર મેડલ, લાઈટ કોન્ટેક્ટ (-60 કિલોગ્રામ)માં સિલ્વર મેડલ અને પોઈન્ટ ફાઈટ (-65 કિલોગ્રામ)માં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ રીતે તેણે કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. ડિંકલની આ સફળતા પાછળ તેની સંઘર્ષભરી સફર પણ પ્રેરણાદાયી છે.

માત્ર ત્રણ વર્ષની ઉંમરે એક બસ અકસ્માતમાં તેના ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી. બાળપણમાં જ આવી મુશ્કેલીનો સામનો કરવા છતાં તેણે હિંમત હારી નહીં. શારીરિક પડકારો સામે ઝઝૂમતા તેણે રમતગમત ક્ષેત્રે આગળ વધવાનું ચાલુ રાખ્યું અને આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે.

વડોદરાની યશ કોલેજના નામે વધુ એક સિદ્ધિ

ડિંકલની આ સિદ્ધિથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. કોચ સિદ્ધાર્થ ભાલેઘરે, જેઓ WAKO ગુજરાતના અધ્યક્ષ પણ છે, તેમના માર્ગદર્શન હેઠળ ડિંકલે આ મુકામ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. ખાસ કરીને મુશ્કેલીઓ સામે હાર ન માનવાની ડિંકલની ભાવના અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સફળતા તેની મહેનતનું પરિણામ છે. વડોદરાની આ ખેલાડીએ ત્રણ મેડલ સાથે ભારતનું ગૌરવ વધાર્યું છે અને સાબિત કર્યું છે કે દ્રઢ ઇચ્છાશક્તિ અને સતત પ્રયત્નો દ્વારા મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે