Asian Games 2026 માં ગૂંજ્યું ગુજરાતનું નામ, રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શનથી જીત્યા બે સિલ્વર મેડલ



Asian Games 2026
Asian Games 2026 માં ગૂંજ્યું ગુજરાતનું નામ, રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવને શાનદાર પ્રદર્શનથી જીત્યા બે સિલ્વર મેડલ



Asian Games 2026
Asian Games 2026 : જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ઇલાવેનિલ વાલારીવને રાઇફલ શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિશ્વફલક પર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં તેમણે 'Women's 10m Air Rifle (Individual)' અને 'Women's 10m Air Rifle (Team)' એમ બંને ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.
વૈશ્વિક સ્પર્ધાઓ માટે ગુજરાત સરકાર તૈયાર છે
યુવા ખેલાડીને અભિનંદન પાઠવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની આવી ખેલપ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ તાલીમ-સુવિધાઓ ગુજરાત સરકાર તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે કોઈ દીકરો કે દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે છે, ત્યારે તેમાં માત્ર ખેલાડીની મહેનત જ નહીં પરંતુ તેમને સંસ્કારો આપીને આગળ વધારવામાં તેમના માતા-પિતાનું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની DLSS યોજના અંતર્ગત કાર્યરત સંસ્કારધામ સંકુલમાંથી અભ્યાસ કરીને આજે ઇલાવેનિલ વાલારીવને એશિયન ગેમ્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જે આપણા સૌ માટે ગર્વની વાત છે. સંસ્કારધામમાં કેળવણી પામેલા યુવાનો જ્યારે રમતગમતની દુનિયામાં આ પ્રકારે ઇતિહાસ રચે છે, ત્યારે તે રાજ્યના અન્ય હજારો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે.
રાઇફલ શૂટિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન થયું
અત્રે ઉલ્લેખનીય છે કે ઇલાવેનિલ વાલારીવનને ખેલ જગતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન અંતર્ગત કુલ રૂ.1.33 કરોડ અને DLSS યોજના તથા ખેલ મહાકુંભ જેવી યોજનાઓ અંતર્ગત રૂ.74 લાખની સહાય આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા તેમને કુલ રૂ.2.41 કરોડની પ્રોત્સાહક રકમથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત જેની કર્મભૂમિ છે તેવા શૂટર ઇલાવેનિલ વાલારીવનની સિદ્ધિઓ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી અને ૨૫ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી રાઇફલ શૂટિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે. ગુજરાત સરકારની 'શક્તિદૂત યોજના' સાથે વર્ષ ૨૦૧૭-૧૮થી જોડાયેલી ઇલાવેનિલ હાલમાં આ યોજના અંતર્ગત 'A' કેટેગરીમાં સ્થાન ધરાવે છે અને રાજ્યના ખેલ જગતમાં એક અગ્રણી ચહેરો બની છે.
ઇલાવેનિલની કારકિર્દી અસંખ્ય ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી છે
તેમણે 2020 ટોક્યો ઓલિમ્પિક અને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2019 માં રિયો ડી જેનેરો ખાતે યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં તેમણે 251.07 નો શાનદાર સ્કોર બનાવીને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભાની નોંધ લેતા ભારત સરકાર દ્વારા વર્ષ 2022 માં તેને પ્રતિષ્ઠિત 'અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી હતી. જુનિયર વર્લ્ડ કપ (સુહલ અને સિડની 2018), એશિયન એરગન ચેમ્પિયનશિપ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ (ચેંગડુ) તેમજ 2025 મ્યુનિક અને કઝાકિસ્તાન સ્પર્ધાઓમાં તેણે અનેક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





