Deepti Sharmaએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ભારતીય વિમેન્સ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બની


Deepti Sharma
Deepti Sharmaએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ, ભારતીય વિમેન્સ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ખેલાડી બની


Deepti Sharma
Deepti Sharma: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઝિમ્બાબ્વે સામેની બીજી વનડે મેચમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તેને એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે અત્યાર સુધી કોઈ ભારતીય વિમેન્સ ખેલાડી મેળવી શકી ન હતી. દીપ્તિ છઠ્ઠા કે તેનાથી નીચેના નંબરે બેટિંગ કરીને વિમેન્સ વનડેમાં સદી ફટકારનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે.
વડોદરામાં રમાઈ રહેલી ભારત અને ઝિમ્બાબ્વે વિમેન્સ ટીમ વચ્ચેની 3 મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટે 328 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોર ઊભો કરવામાં પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની સદીનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
દીપ્તિએ અંતિમ ઓવરમાં પૂરી કરી સદી
ભારતીય કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમે 148 રનના સ્કોર સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવેલી દીપ્તિ શર્માએ હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગને સંભાળી હતી.
બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. દીપ્તિએ ઈનિંગની અંતિમ ઓવરમાં પોતાના વનડે કરિયરની બીજી સદી પૂરી કરી હતી. તેની આ ઈનિંગના કારણે ભારતીય ટીમ 300થી વધુ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.
રિચા ઘોષનો રેકોર્ડ તૂટ્યો
દીપ્તિ શર્મા પહેલાં ભારતીય વિમેન્સ વનડેમાં છઠ્ઠા કે તેનાથી નીચેના નંબરે બેટિંગ કરીને સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ રિચા ઘોષના નામે હતો. રિચાએ વર્ષ 2025માં સાઉથ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં 94 રન બનાવ્યા હતા.
હવે દીપ્તિએ સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની આ સિદ્ધિ ભારતીય વિમેન્સ ક્રિકેટમાં મધ્યક્રમ અને નીચલા ક્રમના બેટ્સમેનના મહત્ત્વને પણ દર્શાવે છે.
સદી સાથે ખાસ ક્લબમાં પણ સ્થાન મેળવ્યું
દીપ્તિ શર્માએ પોતાની બીજી વનડે સદી સાથે એક બીજી વિશેષ સિદ્ધિ પણ મેળવી છે. તે વિમેન્સ વનડે ક્રિકેટમાં 2 કે તેથી વધુ સદી ફટકારવાની સાથે 150 કે તેથી વધુ વિકેટ લેનારી વિશ્વની ચોથી ખેલાડી બની છે. આ પહેલાં વેસ્ટ ઈન્ડીઝની સ્ટેફની ટેલર, ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી અને સાઉથ આફ્રિકાની મરિઝાન કાપ આ સિદ્ધિ મેળવી ચૂકી છે. દીપ્તિ શર્માની આ સિદ્ધિ ભારતીય વિમેન્સ ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ છે. તેની બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત સારા પ્રદર્શન કરવાની ક્ષમતા તેને ટીમની મહત્ત્વપૂર્ણ ખેલાડી બનાવે છે.
આ પણ વાંચો: Harmanpreet Kaurએ મિતાલી રાજને પાછળ છોડી, વિમેન્સ વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારી બીજી ભારતીય ખેલાડી બની





