Kenya Road Accident: કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 22 લોકોના મોત


Kenya Road Accident
Kenya Road Accident: કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 22 લોકોના મોત


Kenya Road Accident
Kenya Road Accident: દક્ષિણ-પૂર્વ કેન્યામાં નૈરોબી-મોમ્બાસા હાઈવે પર રવિવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ અને એક ટિપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં 22 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઓવરટેક કરતી વખતે બસ બેકાબૂ બની
મળતી માહિતી અનુસાર, મકુએની કાઉન્ટીના કાંગા વિસ્તારમાં સવારે આશરે 7:45 વાગ્યે આ અકસ્માત થયો હતો. નૈરોબીથી મોમ્બાસા જઈ રહેલી બસમાં આશરે 45 મુસાફર સવાર હતા. બસ આગળ જતાં વાહનોની કતારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રસ્તા પરથી ફંટાઈને સામેથી આવતા ટિપર ટ્રક સાથે અથડાઈ હતી. મકુએની કાઉન્ટીના કમિશનર અબ્દુલ્લાહી ખલીફે અકસ્માતમાં 22 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 6 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંતિમવિધિમાંથી પરત ફરી રહ્યા હતા મુસાફરો
અહેવાલો અનુસાર, બસમાં સવાર મુસાફરો એક અંતિમવિધિના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતની ગંભીરતાને કારણે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો અને ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ એકત્ર થયા હતા. ટક્કર બાદ મુખ્ય પરિવહન માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાયો હતો.
અગાઉ પણ સર્જાયા હતા જીવલેણ અકસ્માતો
નૈરોબી-મોમ્બાસા હાઈવે પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. આશરે બે અઠવાડિયા પહેલાં આ જ માર્ગ પર અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 17 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓને કારણે કેન્યામાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વધી છે. કેન્યાની નેશનલ પોલીસ સર્વિસ અને નેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ઓથોરિટી દ્વારા તહેવારો પહેલા માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સત્તાવાર આંકડા અનુસાર, કેન્યામાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં આશરે 4,000 લોકોના મોત થાય છે.
આ પણ વાંચો: Jordan Church Attack: જોર્ડનમાં ચર્ચ પર હુમલો, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- આતંકવાદ કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી





