Jordan Church Attack: જોર્ડનમાં ચર્ચ પર હુમલો, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- આતંકવાદ કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી

Jordan Church Attack: જોર્ડનના કરક શહેરમાં ચર્ચ પર થયેલા ગોળીબારની ભારતે કરી આકરી નિંદા કરી. એસ. જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આતંકવાદ સ્વીકાર્ય નથી.
Nancy ShuklaUpdated on: 24 Oct 2026 09:54 PM IST
Jordan Church Attack: જોર્ડનમાં ચર્ચ પર હુમલો,  વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- આતંકવાદ કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથીJordan Church Attack: જોર્ડનમાં ચર્ચ પર હુમલો,  વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું- આતંકવાદ કોઈપણ સ્વરૂપે સ્વીકાર્ય નથી

S Jaishankar

Jordan Church Attack: જોર્ડનના કરક શહેરમાં આવેલા ચર્ચ પર થયેલા ગોળીબારની ભારતે આકરી નિંદા કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટનાને જઘન્ય હુમલો ગણાવીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત આતંકવાદના કોઈપણ સ્વરૂપને સ્વીકારતું નથી અને આ મુશ્કેલ ઘડીમાં જોર્ડન સાથે મજબૂતીથી ઊભું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કરકમાં ચર્ચ પર થયેલા હુમલાથી ભારતને ઊંડો આઘાત લાગ્યો છે. આ દુઃખદ ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. તેમને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

ભારતે આતંકવાદ સામેની પ્રતિબદ્ધતા દોહરાવી

વિદેશ મંત્રાલયે પણ શનિવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને 23 ઓક્ટોબર, 2026ના રોજ જોર્ડનના કરકમાં ચર્ચ પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં જોર્ડનની સરકાર અને ત્યાંના મિત્રતાપૂર્ણ લોકોની સાથે ઊભું છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને પ્રકારોની નિંદા કરે છે તથા આતંકવાદ સામેની લડાઈમાં પોતાની મજબૂત પ્રતિબદ્ધતા દોહરાવે છે.

અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ગોળીબાર

મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે જોર્ડનના કરક શહેરમાં આવેલા ગ્રીક ઓર્થોડૉક્સ ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સાત લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 40 લોકો ઘાયલ થયા હતા. જોર્ડનના આરોગ્ય મંત્રી ઈબ્રાહિમ અલ-બુદૌરે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. આ ચર્ચ જોર્ડનની રાજધાની અમ્માનથી આશરે 180 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે.

જોર્ડનની સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા દૃશ્યોમાં બંદૂકધારીઓ ચર્ચ તરફ આવતા અને ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી પેટ્રા અનુસાર, આ દુઃખદ ઘટના બાદ દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

ચર્ચ પર થયેલા આ હુમલાથી જોર્ડનમાં શોકનું વાતાવરણ છે. ભારતે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સહયોગ અને મક્કમ વલણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો: India Israel Relations: PM નેતન્યાહૂએ PM મોદીને ઈઝરાયલના સ્વતંત્રતા દિવસ પર મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપ્યું, કેપ્ટન સ્મિત મચ્છરને ગણાવ્યા વીર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.