Karachi Port પર 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય જહાજકર્મીઓ: વીજળી બંધ, પાસપોર્ટ પણ જપ્ત કર્યાનો પરિવારનો આરોપ

Karachi Port: પાકિસ્તાનના કરાચી પોર્ટ પર છ ભારતીય જહાજકર્મીઓ છેલ્લા આશરે સાત મહિનાથી ફસાયેલા હોવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી વિનિત કિશોર મિશ્રાનો પણ સમાવેશ થાય છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Oct 2026 03:49 PM IST
Karachi Port પર 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય જહાજકર્મીઓ: વીજળી બંધ, પાસપોર્ટ પણ જપ્ત કર્યાનો પરિવારનો આરોપKarachi Port પર 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય જહાજકર્મીઓ: વીજળી બંધ, પાસપોર્ટ પણ જપ્ત કર્યાનો પરિવારનો આરોપ

Karachi Port

Karachi Port: પાકિસ્તાનના કરાચી પોર્ટ પર છ ભારતીય જહાજકર્મીઓ છેલ્લા આશરે સાત મહિનાથી ફસાયેલા હોવાનો મામલો સામે આવ્યો છે. તેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી વિનિત કિશોર મિશ્રાનો પણ સમાવેશ થાય છે, જેઓ જહાજમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પરિવારના જણાવ્યા અનુસાર, ઈરાનની એક શિપિંગ કંપની અને કરાચી પોર્ટના અધિકારીઓ વચ્ચે થયેલા વિવાદને કારણે 17 એપ્રિલ 2026થી જહાજને પોર્ટ પર રોકી દેવામાં આવ્યું છે. ત્યારથી છ ભારતીયો જહાજ પર જ રહેવા મજબૂર છે.

પરિવારનો આરોપ છે કે જહાજની વીજળી બંધ કરી દેવામાં આવી છે અને મોબાઇલ નેટવર્ક પણ યોગ્ય રીતે કામ કરતું નથી. એટલું જ નહીં, છ ભારતીયોના પાસપોર્ટ અને સી-બુક એટલે કે દરિયાઈ જહાજ પર કામ કરવા સંબંધિત દસ્તાવેજો પણ લઈ લેવામાં આવ્યા છે. વિનિતની નોકરીનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેમને જહાજમાંથી ઉતરીને ભારત પરત ફરવાની મંજૂરી મળી નથી.

10 વર્ષથી મર્ચન્ટ નેવીમાં કામ કરે છે વિનિત

વિનિત મિશ્રા છેલ્લા આશરે 10 વર્ષથી મર્ચન્ટ નેવીમાં કામ કરી રહ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે 25 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઈરાની કંપનીમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ કંપનીના જહાજમાં ઓમાનથી રવાના થયા હતા.

17 એપ્રિલે જહાજ કરાચી પોર્ટ પહોંચ્યું હતું. અહીં કંપની અને પોર્ટના અધિકારીઓ વચ્ચે વિવાદ થતાં જહાજને રોકી દેવામાં આવ્યું હતું. પરિવારનો દાવો છે કે આ ઘટનાના પગલે જહાજની વીજળી બંધ કરી દેવામાં આવી અને ભારતીય કર્મચારીઓના પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યા હતા.

પત્ની, બે બાળકો અને નિવૃત્ત સૈનિક પિતા કરી રહ્યા છે રાહ

વિનિતની પત્ની નેહા મિશ્રા અને તેમના પિતા લલિત કિશોર મિશ્રા વિનિતની સુરક્ષિત વાપસી માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના પિતા ભારતીય સેનામાંથી નિવૃત્ત છે. વિનિતનાં બે નાનાં બાળકો પણ પિતાની ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે.

પરિવારના જણાવ્યા મુજબ, જહાજ પર નેટવર્કની સમસ્યાને કારણે વિનિત સાથે દરરોજ વાતચીત થઈ શકતી નથી. ઘણી વખત ફોન પર માત્ર થોડી મિનિટો માટે જ સંપર્ક થઈ શકે છે. આ સ્થિતિને કારણે પરિવારને તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવી રહી છે.

પરિવારની ભારત સરકારને તાત્કાલિક મદદની અપીલ

વિનિતની પત્ની અને પરિવારે પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારી મિશનનો સંપર્ક કરીને છ ભારતીય જહાજકર્મીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે મદદ માગી છે. પરિવારના જણાવ્યા મુજબ, ભારતીય દૂતાવાસને પત્ર લખ્યા બાદ મદદની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

પરિવારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને પણ મદદ માટે રજૂઆત કરવામાં આવી છે.

પરિવારનો સવાલ છે કે કંપની અને પોર્ટના અધિકારીઓ વચ્ચેના વિવાદમાં છ ભારતીય જહાજકર્મીઓને શા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? તેમને સુરક્ષિત રીતે ભારત પરત ફરવાની મંજૂરી ક્યારે મળશે? હવે પરિવારની નજર સરકારની કાર્યવાહી પર છે.

આ પણ વાંચો : Uttarakhandના જોશીમઠ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 6 લોકોનાં મોત; બદ્રીનાથથી પરત ફરી રહ્યું હતું

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.