Gujarat Education: 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલર ફરજિયાત, માનસિક સ્વાસ્થ્ય માટે નવી ગાઈડલાઈન જાહેર


Gujarat Education
Gujarat Education: 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કાઉન્સેલર ફરજિયાત, માનસિક સ્વાસ્થ્ય માટે નવી ગાઈડલાઈન જાહેર


Gujarat Education
Gujarat Education: ગુજરાત સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા અને આત્મહત્યા નિવારણ માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો મુજબ, 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં ઓછામાં ઓછા એક લાયકાતપ્રાપ્ત કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત રહેશે. સાથે જ ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક શાળાએ વિશેષ ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT) બનાવવી પડશે.
શિક્ષણના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ભાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) સાથે સંકળાયેલી શાળાઓમાં આ નિયમો લાગુ પડશે. અભ્યાસનું દબાણ, પરીક્ષાનો તણાવ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, પરિવારની અપેક્ષાઓ અને અન્ય કારણોથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમો, 1974’માં નિયમ 16(A) ઉમેર્યો છે. આ ઉપરાંત પરિશિષ્ટ-8માં માનસિક સ્વાસ્થ્ય, વિદ્યાર્થી કલ્યાણ અને આત્મહત્યા નિવારણ અંગે વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ સંબંધિત નિર્દેશોના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે. રાજ્યએ NCERTના ‘ઉમ્મીદ’ માર્ગદર્શિકાને પણ સંદર્ભ માળખા તરીકે અપનાવી છે.
દરેક શાળામાં સ્કૂલ વેલનેસ ટીમની રચના
નવા નિયમો અનુસાર, ધોરણ 9થી 12નું શિક્ષણ આપતી દરેક શાળાએ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સ્કૂલ વેલનેસ ટીમ બનાવવી પડશે. આ ટીમ માનસિક તણાવમાં રહેલા વિદ્યાર્થીઓની ઓળખ, જોખમની સ્થિતિમાં તાત્કાલિક પગલાં અને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સંભાળશે.
શાળાના આચાર્ય ટીમના અધ્યક્ષ રહેશે, જ્યારે કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક સંયોજક તરીકે કામ કરશે. ટીમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના એક-એક શિક્ષક, શાળા સંચાલન સમિતિનો પ્રતિનિધિ, બિનશૈક્ષણિક કર્મચારી અને બે વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ વિદ્યાર્થી પ્રતિનિધિઓને ‘મનો-મિત્ર’ નામ આપવામાં આવ્યું છે. એક પ્રતિનિધિ ધોરણ 9-10માંથી અને બીજો ધોરણ 11-12માંથી પસંદ કરાશે.
100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ માટે પણ વ્યવસ્થા
100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓએ બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય અંગે તાલીમ પામેલા કાઉન્સેલર, મનોવિજ્ઞાની અથવા સોશિયલ વર્કરની નિમણૂક કરવી પડશે. જ્યારે 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓએ નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ, ટેલી-માનસ સેવા અથવા બાહ્ય માનસિક આરોગ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક જોડાણ કરવું પડશે.
બોર્ડ પરીક્ષાઓ, પરિણામ જાહેર થવા અને ધોરણ 8થી 9 તેમજ 10થી 11માં પ્રવેશ જેવા મહત્વપૂર્ણ તબક્કે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન અને મેન્ટરિંગ આપવાની પણ જોગવાઈ છે.
વિદ્યાર્થીઓને અપમાનિત કરવા કે સરખામણી કરવા પર પ્રતિબંધ
નવા નિયમો મુજબ, શાળાઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામો, ગુણ કે શૈક્ષણિક પ્રદર્શનના આધારે અલગ-અલગ જૂથોમાં વહેંચી શકશે નહીં. વિદ્યાર્થીઓને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકવા, અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરવા કે તેમના પર નકારાત્મક લેબલ લગાવવા પર પણ પ્રતિબંધ રહેશે.
શાળાઓએ યોગ, ધ્યાન, કલા, સંગીત, બાગાયત, નૃત્ય અને રમતગમત જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું પડશે. ‘ખેલ મહાકુંભ’, ‘ફિનિશિંગ સ્કૂલ’, ‘સપ્તધારા’, ‘પરીક્ષા પે ચર્ચા’, NSS, NCC અને સ્કાઉટ્સ-ગાઇડ્સ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરી શકાશે.
ફરિયાદ અને કાઉન્સેલિંગ માટે ગોપનીય વ્યવસ્થા
વિદ્યાર્થીઓ કોઈપણ ડર વિના અને પોતાની વાતની ગોપનીયતા જળવાઈ રહે તે રીતે કાઉન્સેલર અથવા મેન્ટર શિક્ષકનો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા શાળાઓએ ઊભી કરવી પડશે. આ માટે હેલ્પ બોક્સ અથવા સૂચન બોક્સ રાખવા ઉપરાંત અધિકૃત હેલ્પલાઇન નંબર અને વેલનેસ ટીમની સંપર્ક વિગતો નોટિસ બોર્ડ, વર્ગખંડ, હોસ્ટેલ અને શાળાની વેબસાઇટ પર દર્શાવવી પડશે.
શાળાના તમામ શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ દર વર્ષે ઓછામાં ઓછા બે વખત માનસિક સ્વાસ્થ્ય અંગેની તાલીમ લેવી પડશે. તેમાં માનસિક પ્રાથમિક સારવાર, જોખમનાં સંકેતોની ઓળખ, સ્વહાનિની સ્થિતિમાં પ્રતિસાદ અને નિષ્ણાત પાસે મોકલવાની પ્રક્રિયાનો સમાવેશ થશે.
ગંભીર સ્થિતિમાં તાત્કાલિક પગલાં અને શાળાની જવાબદારી
વિદ્યાર્થીમાં સ્વહાનિ, આત્મહત્યાના વિચારો અથવા ગંભીર માનસિક તણાવનાં સંકેતો જોવા મળે તો શાળાએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. આત્મહત્યાના પ્રયાસ અથવા સ્વહાનિની ઘટના બને ત્યારે વિદ્યાર્થીને એકલો ન છોડવા અને તાત્કાલિક તબીબી કે કટોકટીની મદદ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.
વિદ્યાર્થીઓની કાઉન્સેલિંગ સંબંધિત માહિતી અને અન્ય સંવેદનશીલ વિગતોની ગોપનીયતા જાળવવી પણ ફરજિયાત રહેશે. આત્મહત્યાની ઘટના બને તો અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને અસરગ્રસ્ત પરિવારને માનસિક તથા સામાજિક સહાય પૂરી પાડવી પડશે. મીડિયા સાથે માત્ર આચાર્ય અથવા અધિકૃત અધિકારી જ વાત કરી શકશે. ઘટનાની પદ્ધતિ, સ્થળ કે સંવેદનશીલ વિગતો જાહેર કરવા પર પ્રતિબંધ રહેશે.
શાળાઓએ જાતીય સતામણી, રેગિંગ, બુલિંગ, સાયબર બુલિંગ અને વિવિધ પ્રકારના ભેદભાવ સામે ગોપનીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. જોખમની જાણ હોવા છતાં શાળા સમયસર યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જાય અને તેના કારણે વિદ્યાર્થીને ગંભીર નુકસાન થાય તો લાગુ કાયદા હેઠળ શાળા અથવા જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગ કે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
આ નિયમોના અમલીકરણની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળની જિલ્લા સ્તરની સમિતિ રાખશે. સમિતિ શાળાઓમાં નિયમોના પાલનની સમીક્ષા કરશે, ફરિયાદો અને ગંભીર ઘટનાઓ પર નજર રાખશે તથા જરૂરી સુધારાત્મક પગલાંની ભલામણ કરશે. શાળાઓએ સમિતિના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.






