California: કેલિફોર્નિયાના શોપિંગ મોલમાં ફાયરિંગ, 1નું મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત, 3 ની હાલત ગંભીર


California
California: કેલિફોર્નિયાના શોપિંગ મોલમાં ફાયરિંગ, 1નું મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત, 3 ની હાલત ગંભીર


California
California: અમેરિકાના કેલિફોર્નિયામાં શોપિંગ મોલમાં થયેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી હોબાળો મચી ગયો છે. આ ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તમાંથી 3 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે કેલિફોર્નિયાના ફેરફિલ્ડ વિસ્તારમાં આવેલા સોલાનો ટાઉન સેન્ટર મોલમાં આ ઘટના બની હતી. સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 8:30 વાગ્યે મોલની અંદર આવેલા 'સ્પિરિટ હેલોવીન' સ્ટોરમાં ગોળીબાર થયાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફાયરિંગમાં 1 નું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત
ફેરફિલ્ડ પોલીસ વિભાગના પ્રમુખ ડેન માર્શલે જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 6 લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 3 ની સ્થિતિ ગંભીર છે. તેમને મૃતકના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલે પણ સ્થાનિક પોલીસને મદદ કરી હતી. સુરક્ષાના ભાગરૂપે શોપિંગ સેન્ટરની ઈમારતો ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રિત કરવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ, આરોપીની શોધખોળ શરૂ
પોલીસે જણાવ્યું કે તપાસકર્તાઓ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહ્યા છે અને ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે તપાસ હજુ ચાલુ છે. લોકોને પણ આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો પોલીસ વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગોળીબાર થયો ત્યારે મૃતકની પત્ની પણ સ્ટોરની અંદર હાજર હતી. પરંતુ તે અન્ય લોકો સાથે ઈમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહી હતી. તેને જણાવ્યું કે ગોળીબાર દરમિયાન 5 જોરદાર અવાજ સંભળાયા હતા. આ ઘટના બાદ તે આઘાતમાં છે.
મિશિગનમાં પણ આવી જ ઘટના બની
તમને જણાવી દઈએ કે કેલિફોર્નિયાની આ ઘટના બની તેના થોડા કલાકો પહેલાં મિશિગનના મેડિસન હાઈટ્સમાં આવેલા 'સ્પિરિટ હેલોવીન' સ્ટોરમાં પણ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ડેટ્રોઈટના 21 વર્ષના યુવકને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં આરોપીને સ્થાનિક લોકોની મદદથી કસ્ટડીમાં લીધો હતો.
આ પણ વાંચો: India Oman Navy: ભારત અને ઓમાનની નૌકાદળ વચ્ચે આઠમા તબક્કાની મંત્રણા, દરિયાઈ સુરક્ષા સહયોગ મજબૂત કરવા પર ભાર





