Bulgaria Accident: બુલ્ગેરિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 50 વાહનો વચ્ચે સર્જાઈ જોરદાર ટક્કર, 11નાં મોત અને 50 લોકો ઘાયલ


Bulgaria Accident: બુલ્ગેરિયામાં 50 વાહનો વચ્ચે ભયાનક ટક્કર, 11નાં મોત
Bulgaria Accident: બુલ્ગેરિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 50 વાહનો વચ્ચે સર્જાઈ જોરદાર ટક્કર, 11નાં મોત અને 50 લોકો ઘાયલ


Bulgaria Accident: બુલ્ગેરિયામાં 50 વાહનો વચ્ચે ભયાનક ટક્કર, 11નાં મોત
Bulgaria Accident: બુલ્ગેરિયામાં મંગળવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર્વી બુલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર અંદાજે 50 વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જ્યારે લગભગ 50 લોકો ઘાયલ થયા છે. બુલ્ગેરિયાના વડાપ્રધાન રુમેં રાદેવે આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી છે.
પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
આ અકસ્માત રાજધાની સોફિયાને પૂર્વી શહેર બર્ગાસ સાથે જોડતા A1 હાઈવે પર થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક મીડિયામાં સામે આવેલી તસવીરોમાં હાઈવેની 6 લેનમાં કાર અને ટ્રકોનો ખડકલો જોવા મળ્યો હતો. અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. કેટલાક વાહનો પલટી ખાઈ ગયા હતા, જ્યારે કેટલાંક વાહનો રસ્તાની બાજુમાં નીચે ખાબક્યાં હતાં.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
બુલ્ગેરિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ 50 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ ટુકડીઓએ ઘાયલોને મદદ પહોંચાડવા અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કામગીરી કરી હતી.
વડાપ્રધાન રુમેં રાદેવે યુરોપિયન કમિશનનાં અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનની બુલ્ગેરિયા મુલાકાત દરમિયાન આ અકસ્માત અંગે નિવેદન આપ્યું હતું. તેમણે આ ઘટનાને મોટી ત્રાસદી ગણાવી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે વિમાનો તૈનાત કરવામાં આવ્યાં છે. તેમને અકસ્માત સ્થળની મુલાકાત લેવાની યોજના પણ વ્યક્ત કરી હતી.
ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા
હાલમાં અકસ્માતનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર રીતે વિગતવાર માહિતી સામે આવી નથી. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સમયે હાઇવેના આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. જેના કારણે વાહનચાલકોને રસ્તા પર આગળનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતાં એક પછી એક વાહનો અથડાયાં હોવાની આશંકા છે. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




