World Television Day: ભારતમાં ટીવી ચેનલોની દુનિયા બદલાઈ, દૂરદર્શનના 17થી વધીને 35 ચેનલ થયા; OTT પ્લેટફોર્મ 'વેવ્સ'ના 1.6 કરોડ યુઝર્સ


World Television Day Doordarshan DD Free Dish WAVES OTT દૂરદર્શન
World Television Day: ભારતમાં ટીવી ચેનલોની દુનિયા બદલાઈ, દૂરદર્શનના 17થી વધીને 35 ચેનલ થયા; OTT પ્લેટફોર્મ 'વેવ્સ'ના 1.6 કરોડ યુઝર્સ


World Television Day Doordarshan DD Free Dish WAVES OTT દૂરદર્શન
World Television Day: ભારતમાં ટેલિવિઝનનું માળખું હવે માત્ર પરંપરાગત ટીવી પ્રસારણ પૂરતું સીમિત રહ્યું નથી. દેશનું ટેલિવિઝન ઇકોસિસ્ટમ ઝડપથી વિકસીને મલ્ટી-પ્લેટફોર્મ નેટવર્કમાં પરિવર્તિત થયું છે. એક સત્તાવાર ફેક્ટશીટ અનુસાર, દૂરદર્શન હવે કુલ 35 ચેનલોનું સંચાલન કરી રહ્યું છે, જ્યારે વર્ષ 2010માં આ સંખ્યા માત્ર 17 હતી. બીજી તરફ, ડીડી ફ્રી ડિશ પર શૈક્ષણિક ચેનલો સહિત કુલ 482 ચેનલો ઉપલબ્ધ છે. ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોની સંખ્યા પણ માર્ચ 2026 સુધીમાં વધીને 917 થઈ છે. આજે ટીવીની સાથે ડિજિટલ અને OTT પ્લેટફોર્મ પણ દર્શકોની પસંદગી બની રહ્યાં છે.
દૂરદર્શનની ચેનલોની સંખ્યા 17થી વધીને 35 થઈ
ભારતમાં જાહેર પ્રસારણ ક્ષેત્રે દૂરદર્શનનો વ્યાપ સતત વધી રહ્યો છે. વર્ષ 2010માં દૂરદર્શન પાસે 17 ચેનલો હતી, જે હવે વધીને 35 થઈ છે. આ વિસ્તરણથી દેશના વિવિધ વિસ્તારોમાં સમાચાર, મનોરંજન, શિક્ષણ અને માહિતી આધારિત કાર્યક્રમો પહોંચાડવામાં મદદ મળી રહી છે.
ડીડી ફ્રી ડિશ પર હવે 482 ચેનલો ઉપલબ્ધ
ડીડી ફ્રી ડિશની લોકપ્રિયતા અને પહોંચમાં પણ વધારો થયો છે. અગાઉ આ પ્લેટફોર્મ પર માત્ર 59 ચેનલો ઉપલબ્ધ હતી, જે હવે શૈક્ષણિક ચેનલો સહિત વધીને 482 થઈ છે. ખાસ કરીને એવા પરિવારો માટે આ સુવિધા ઉપયોગી બની છે, જેઓ માસિક સબ્સ્ક્રિપ્શન વિના ટીવી ચેનલો જોવા માગે છે.
ખાનગી સેટેલાઇટ ચેનલોની સંખ્યા 917 પર પહોંચી
ખાનગી ટેલિવિઝન ક્ષેત્રે પણ મોટો વિકાસ નોંધાયો છે. વર્ષ 2010-11માં ખાનગી સેટેલાઇટ ચેનલોની સંખ્યા 603 હતી, જે માર્ચ 2026 સુધીમાં વધીને 917 થઈ ગઈ છે. આમાંથી 908 ચેનલો ભારતમાં ડાઉનલિંકિંગ માટે ઉપલબ્ધ હતી. તેમાં 342 પે ચેનલો અને 566 ફ્રી-ટુ-એર ચેનલો સામેલ હતી. પે ચેનલોમાં 238 સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) અને 104 હાઈ ડેફિનેશન (HD) ચેનલો હતી.
દેશમાં 4.905 કરોડ સક્રિય DTH ગ્રાહકો
31 માર્ચ 2026 સુધીમાં ભારતમાં ખાનગી પે DTH સેવાઓના 4.905 કરોડ સક્રિય ગ્રાહકો નોંધાયા હતા. બીજી તરફ, દૂરદર્શનની DTH સેવા દેશભરમાં 100 ટકા ભૌગોલિક અને વસ્તી આધારિત કવરેજ પૂરું પાડે છે. ટેલિવિઝન હવે શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય અને દૂરના વિસ્તારો સુધી પણ પહોંચી રહ્યું છે.
OTT પ્લેટફોર્મ 'વેવ્સ'ના 1.6 કરોડ નોંધાયેલા યુઝર્સ
ડિજિટલ મનોરંજનના વધતા વ્યાપ વચ્ચે પ્રસાર ભારતી દ્વારા નવેમ્બર 2024માં 'વેવ્સ' નામનું OTT ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ દ્વારા જાહેર સેવા પ્રસારણની સામગ્રી ડિજિટલ દર્શકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. નવેમ્બર 2026 સુધીમાં વેવ્સ પર આશરે 1.6 કરોડ નોંધાયેલા યુઝર્સ થઈ ચૂક્યા છે. OTT પ્લેટફોર્મના કારણે દર્શકો હવે પોતાની પસંદગીના સમયે અને અલગ-અલગ ડિવાઇસ પર કન્ટેન્ટ જોઈ શકે છે.
વિશ્વ ટેલિવિઝન દિવસ: 21 નવેમ્બરે ઉજવણી
ટેલિવિઝનના વધતા પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1996માં 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ દિવસ માહિતી પહોંચાડવા, શિક્ષણ આપવા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને લોકોને જોડવામાં ટેલિવિઝનના યોગદાનને યાદ કરવાનો અવસર છે.
ભારતમાં હવે HD પ્રસારણ, ડિજિટલ ડિલિવરી, ઇન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ અને OTT સેવાઓના કારણે ટીવી જોવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. જાહેર અને ખાનગી પ્રસારકો આ બદલાતા માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.




