Uttarakhand News: અમિત શાહે શરૂ કર્યું મિશન ઉત્તરાખંડ, ભાજપ માટે 65 બેઠકોનો લક્ષ્યાંક


Union Home Minister Amit Shah Uttarakhand ઉત્તરાખંડ અમિત શાહ
Uttarakhand News: અમિત શાહે શરૂ કર્યું મિશન ઉત્તરાખંડ, ભાજપ માટે 65 બેઠકોનો લક્ષ્યાંક


Union Home Minister Amit Shah Uttarakhand ઉત્તરાખંડ અમિત શાહ
Uttarakhand News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ માટે ચૂંટણીલક્ષી સંદેશ આપ્યો છે. શુક્રવારે દેહરાદૂનમાં આયોજિત ‘ઉત્તરાખંડ રાજ્યોત્સવ’ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે રાજ્યમાં ત્રીજીવાર ભાજપની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પાર્ટીના કાર્યકરો અને જનતા સમક્ષ ‘65 પાર’નો લક્ષ્યાંક રાખ્યો હતો. આ દરમિયાન શાહે કોંગ્રેસ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પર પણ નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીની ‘વોટ બચાવો’ યાત્રા પર નિશાન
અમિત શાહે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે તેઓ ‘વોટ બચાવો’ નહીં, પરંતુ ‘ઘૂસણખોર બચાવો’ યાત્રા કાઢી રહ્યા છે. તેમણે જનતાને સવાલ કર્યો હતો કે મતદાર યાદીમાંથી ઘૂસણખોરોનાં નામ દૂર થવાં જોઈએ કે નહીં?
શાહે કહ્યું હતું કે દેશ અને દેવભૂમિ ઉત્તરાખંડમાંથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢવામાં આવશે. તેમણે વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)નો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં ઘૂસણખોરોનાં નામ હોવાં જોઈએ નહીં. આ મુદ્દે તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ઉત્તરાખંડમાં ‘65 પાર’નો લક્ષ્યાંક
આગામી વિધાનસભા ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું કે ભાજપ અનેક રાજ્યોમાં સતત ત્રીજીવાર સરકાર બનાવી ચૂકી છે અને હવે ઉત્તરાખંડનો વારો છે. તેમણે કહ્યું કે આ વખતે પાર્ટીએ 65થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ.
શાહના જણાવ્યા અનુસાર, ભાજપ ઉત્તરાખંડને સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા માગે છે. દેવભૂમિને દેશની સાંસ્કૃતિક રાજધાની બનાવવાનું પણ પાર્ટીનું લક્ષ્ય છે. આ હેતુઓ પૂર્ણ કરવા માટે જનતાના સમર્થનની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
અતિક્રમણ અને મુસ્લિમ યુનિવર્સિટીના મુદ્દે નિવેદન
અમિત શાહે ચૂંટણી દરમિયાન વિપક્ષી દળો મુસ્લિમ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવશે એવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સરકાર દેવભૂમિમાં અતિક્રમણ દૂર કરવા પ્રતિબદ્ધ છે. સરકારી જમીન પર ગેરકાયદે મજાર અને મદરેસાના નામે થયેલા અતિક્રમણને દૂર કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
શાહે અગાઉની કોંગ્રેસ સરકારો પર ભ્રષ્ટાચાર અને રાજ્યની અર્થવ્યવસ્થાની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા મુજબ, કોંગ્રેસના શાસનમાં ઉત્તરાખંડની અર્થવ્યવસ્થા મનીઓર્ડર અને સ્થળાંતર પર નિર્ભર રહી હતી. તેમણે દાવો કર્યો કે ભાજપ સરકારે સ્થાનિક રોજગાર, આવકના સર્જન અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પ્રયાસો કર્યા છે.
સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં કહ્યું કે ભારતની સરહદો સુરક્ષિત છે. તેમણે ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતે દુશ્મનોને તેમના વિસ્તારમાં જઈને જવાબ આપ્યો છે.
આ ઉપરાંત તેમણે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પર પણ નિશાન સાધ્યું હતું. શાહે સવાલ કર્યો હતો કે રાવતના કાર્યકાળમાં એવું કયું કામ થયું હતું, જેને રાજ્યની જનતા યાદ રાખે? તેમણે કોંગ્રેસ પર ઉત્તરાખંડ રાજ્યની રચનાનો વિરોધ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
9 નવેમ્બર 2000ના રોજ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના થઈ હતી
રાજ્ય સ્થાપના દિવસનો ઉલ્લેખ કરતાં અમિત શાહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે પહાડી વિસ્તારોના લોકોએ ઉત્તરાખંડ રાજ્યની રચના માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રાજ્યની રચનાનો વિરોધ કર્યો હતો અને આંદોલન દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
શાહે 9 નવેમ્બર 2000ના રોજ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાને ઐતિહાસિક ઘટના ગણાવી હતી અને રાજ્ય નિર્માણના સંઘર્ષમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રામપુર તિરાહા સહિતના સ્થળોએ થયેલા આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
2047 સુધી વિકસિત ઉત્તરાખંડ બનાવવાનો સંકલ્પ
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસની વાત કરી હતી. તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય સાથે ઉત્તરાખંડ દેશનું વિકસિત રાજ્ય બનશે.
આ ઉપરાંત તેમણે સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશનાં 15 રાજ્યો આ દિશામાં આગળ વધી રહ્યાં છે અને ધીમે-ધીમે ભાજપ શાસિત તમામ રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે. કાર્યક્રમમાં શાહે રાજ્યના વિકાસકાર્યો અને ભાજપ સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં આગામી ચૂંટણી માટે પક્ષનો રાજકીય એજન્ડા પણ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો : Bihar News: પટનામાં STF અને ગુનેગારો વચ્ચે અથડામણ, 3 આરોપીઓનાં મોત




