Ayodhya News: નિષાદ સમાજ સાથે CM યોગીએ મનાવી દિવાળી, અયોધ્યાની સુરક્ષાનો સંકલ્પ

Ayodhya News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીના પર્વે અયોધ્યામાં નિષાદ સમાજના લોકો સાથે તહેવારની ઉજવણી કરી હતી. તેમણે ભગવાન શ્રીરામ અને નિષાદ સમાજ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.
Nisha Parmar
Nisha Parmar
CM Yogi Adityanath celebrates Diwali  સીએમ યોગી અયોધ્યાCM Yogi Adityanath celebrates Diwali  સીએમ યોગી અયોધ્યા

CM Yogi Adityanath celebrates Diwali સીએમ યોગી અયોધ્યા

Ayodhya News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીના પર્વે અયોધ્યામાં નિષાદ સમાજના લોકો સાથે તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શ્રીરામ અને નિષાદ સમાજ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. CM યોગીએ કહ્યું કે આવનારા સમયમાં અયોધ્યા પર કોઈ મંથરા કે મારીચની કુદૃષ્ટિ ન પડવી જોઈએ. અયોધ્યાના વૈભવને લૂંટવાનો અને તેને ફરી બદનામ કરવાનો કોઈ પ્રયાસ સફળ થવો જોઈએ નહીં. તેમણે અયોધ્યાની સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક પરંપરાઓનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

'રામભક્તોની આસ્થા પર કોઈ રોક લગાવી શકશે નહીં'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યા ધામ પર કોઈની ખરાબ નજર ન પડે તે આપણા સૌની જવાબદારી છે. તેમણે વધુમાં કહ્યું કે હવે અયોધ્યામાં રામભક્તો પર ગોળીઓ નહીં ચાલે અને 'જય શ્રીરામ'નો જયઘોષ કરવા બદલ કોઈ લાઠી-ડંડા ચલાવી શકશે નહીં. પંચકોસી, 14 કોસી અને 84 કોસી પરિક્રમા પર પણ હવે કોઈ પ્રતિબંધ લગાવી શકશે નહીં. તેમણે આ સંકલ્પને સૌના સામૂહિક પ્રયાસનું પ્રતીક બનાવવાની અપીલ કરી હતી.

ભગવાન શ્રીરામ અને નિષાદ સમાજના સંબંધોનો કર્યો ઉલ્લેખ

નિષાદ સમાજ સાથે દિવાળી ઉજવવા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ જોડાયેલું છે. રામાયણમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન નિષાદરાજ ગુહ અને કેવટ સાથેના પ્રસંગોનો ઉલ્લેખ મળે છે. માન્યતા અનુસાર, કેવટે ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણને નદી પાર કરાવી હતી. આ પ્રસંગને ભક્તિ, સમર્પણ અને સામાજિક સમાનતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. પરંપરાગત રીતે નિષાદ સમાજની ઓળખ નાવિક અને માછીમાર સમુદાય તરીકે રહી છે. CM યોગીએ નિષાદ સમાજ સાથે દિવાળી મનાવીને આ સાંસ્કૃતિક સંબંધો અને વિરાસતને ઉજાગર કરી હતી.

રામલલાનાં દર્શન કરી દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

નિષાદ સમાજ સાથે દિવાળીની ઉજવણી કરતાં પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન શ્રીરામલલાનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે દિવાળીને સનાતન સંસ્કૃતિની શાશ્વત ચેતના અને ભગવાન શ્રીરામના આદર્શોનો ભવ્ય ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પર્વ ધર્મ, સત્ય અને આધ્યાત્મિક વિરાસતનાં શાશ્વત મૂલ્યોનું પ્રતીક છે. આ સાથે મુખ્યમંત્રીએ દેશની પ્રગતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : PM Modi Bastar Visit: ‘તમારા બલિદાનથી નક્સલવાદનો અંત આવ્યો’, બસ્તરમાં જવાનો સાથે દિવાળી મનાવી PM મોદીએ કરી મોટી વાત