UPSC Centenary Celebration: PM મોદીએ સ્મિત મચ્છારનો કર્યો ઉલ્લેખ; કહ્યું- ‘તેમનું પરાક્રમ દરેક દેશવાસીને ગૌરવથી ભરી દે છે’



UPSC Centenary Celebration
UPSC Centenary Celebration: PM મોદીએ સ્મિત મચ્છારનો કર્યો ઉલ્લેખ; કહ્યું- ‘તેમનું પરાક્રમ દરેક દેશવાસીને ગૌરવથી ભરી દે છે’



UPSC Centenary Celebration
UPSC Centenary Celebration: નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગુરુવારે સંઘ લોક સેવા આયોગ (UPSC)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે UPSCના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારક ડાક ટિકિટ, સ્મારક સિક્કો અને વિશેષ પુસ્તકનું વિમોચન કર્યું હતું. પોતાના સંબોધનની શરૂઆતમાં જ PM મોદીએ તાજેતરની Flydubai ફ્લાઈટની ઘટનામાં ચર્ચામાં આવેલા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારનો ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ સ્મિત મચ્છારની હિંમતનો કર્યો ઉલ્લેખ
PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે એક દિવસ અગાઉ બનેલી ઘટનામાં કેપ્ટન સ્મિતે ધૈર્ય, સૂઝબૂઝ અને સાહસનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું કે સ્મિતના પરાક્રમથી દરેક દેશવાસી ગૌરવ અનુભવે છે.
PM મોદીએ વધુમાં જણાવ્યું કે તેમણે સ્મિત મચ્છારના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતા બહેન અને પત્ની સોનલ સાથે પણ વાતચીત કરી છે. તેમણે દેશવાસીઓને સ્મિતના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
UPSCની 100 વર્ષની સફર
UPSCના શતાબ્દી સમારોહમાં PM મોદીએ આ સંસ્થાની 100 વર્ષની સફરને યાદ કરી હતી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પેઢીઓ બદલાઈ, સરકારો બદલાઈ, ટેક્નોલોજીમાં પરિવર્તન આવ્યું અને અભ્યાસક્રમમાં પણ ફેરફાર થયો, પરંતુ UPSC પ્રત્યે લોકોનો વિશ્વાસ આજે પણ જળવાયેલો છે.
તેમણે UPSCની 100 વર્ષની યાત્રાને માત્ર ઉજવણી નહીં પરંતુ તેની વિરાસત અને દેશના યુવાનોની આકાંક્ષાઓ સાથે જોડાયેલો પ્રસંગ ગણાવ્યો હતો.
સ્મારક સિક્કો અને ડાક ટિકિટનું વિમોચન
સમારોહ દરમિયાન UPSCના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ સ્મારક ડાક ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યો. આ ઉપરાંત UPSCની શતાબ્દી યાત્રાને રજૂ કરતું વિશેષ પુસ્તક પણ જાહેર કરવામાં આવ્યું.
PM મોદીએ કહ્યું કે UPSC દેશને ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર સ્મારક સિક્કો અને ડાક ટિકિટ આ ઐતિહાસિક યાત્રાનું પ્રતીક છે.
1 ઓક્ટોબર 1926થી શરૂ થઈ સફર
ભારતમાં પ્રથમ લોક સેવા આયોગની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ કરવામાં આવી હતી. 1924ની લી કમિશનની ભલામણ બાદ સર રોસ બાર્કરના નેતૃત્વ હેઠળ આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. શરૂઆતમાં તેને લોક સેવા આયોગ તરીકે ઓળખવામાં આવતી હતી, જે બાદમાં સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSC તરીકે ઓળખાઈ.
UPSCના 100 વર્ષ પૂર્ણ થવાના આ કાર્યક્રમનું આયોજન બે દિવસ માટે કરવામાં આવ્યું છે. તેમાં દેશભરના રાજ્ય લોક સેવા આયોગોના અધ્યક્ષો અને સભ્યો ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો અને UPSCના અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે.





