PM Modi: ટેક્નોલોજી અપનાવવાનો નહીં, બનાવવાનો સમય... PM મોદીએ વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું

PM Modi: ESTIC 2026માં પીએમ મોદીએ કહ્યું કે હવે અમારું લક્ષ્ય ભારત માટે, વિશ્વ માટે, આજ માટે અને આવતીકાલ માટે નવી ટેકનોલોજી બનાવવાનું અને તેની દિશા નક્કી કરવાનું છે.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 08:43 PM IST
PM Modi: ટેક્નોલોજી અપનાવવાનો નહીં, બનાવવાનો સમય... PM મોદીએ વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યુંPM Modi: ટેક્નોલોજી અપનાવવાનો નહીં, બનાવવાનો સમય... PM મોદીએ વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું

PM Modi

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈમર્જિંગ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન કોન્ક્લેવ (ESTIC 2026)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમને કહ્યું કે વિકસિત ભારતનું નિર્માણ વૈજ્ઞાનિક સંશોધન, નવી શોધો અને ઈનોવેશનના મજબૂત પાયા પર થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે હવે અન્ય દેશોની ટેક્નોલોજી અપનાવવા પૂરતું મર્યાદિત રહેવાને બદલે નવી ટેક્નોલોજી વિકસાવીને વિશ્વનું નેતૃત્વ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

ભારતે પોતાની ટેક્નોલોજી વિકસાવવી જરૂરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉ દુનિયામાં કોઈ નવી ટેક્નોલોજી વિકસતી ત્યારે થોડાં વર્ષો બાદ તે ભારત સુધી પહોંચતી હતી. ત્યારબાદ ભારત તેને અપનાવતું અથવા તેમાં સુધારા કરતું હતું. પરંતુ 21મી સદીનું ભારત હવે નવી વિચારસરણી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.

તેમને જણાવ્યું કે ભારતે દેશ અને દુનિયાની વર્તમાન તથા ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ માટે નવી ટેક્નોલોજી બનાવવી જોઈએ અને તેની દિશા નક્કી કરવાની ક્ષમતા કેળવવી જોઈએ. કોરોના મહામારીનું ઉદાહરણ આપતાં તેમને કહ્યું કે જ્યારે અનેક દેશો રસીની ઉપલબ્ધતા અંગે પડકારોનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ભારતે પોતાની રસી વિકસાવી હતી. ભારતે મોટા પાયે રસીકરણ કર્યું અને અન્ય દેશોને પણ રસી પૂરી પાડી હતી.

ચંદ્રયાન અને મંગળ મિશનનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશે મંગળ મિશન અને ચંદ્રયાન જેવા અભિયાનો દ્વારા પોતાની વૈજ્ઞાનિક ક્ષમતા સાબિત કરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની સિદ્ધિ ભારતના વૈજ્ઞાનિકો અને યુવાનોની પ્રતિભાનું ઉદાહરણ છે. તેમને ભારતીય યુવાનોમાં કૌશલ્ય, આત્મવિશ્વાસ અને નવી શોધો પ્રત્યે વધી રહેલા ઉત્સાહને પણ આવકાર્યો હતો.

ફાસ્ટ બ્રીડર રિએક્ટરથી ઊર્જા સુરક્ષાને પ્રોત્સાહન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે મોટા પ્રમાણમાં પરમાણુ ઊર્જાની જરૂર પડશે. પરમાણુ ઈંધણની આયાત પરની નિર્ભરતા દેશની ઊર્જા સુરક્ષા માટે પડકારરૂપ બની શકે છે. તેથી ભારત ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેક્નોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છે.

તેમને જણાવ્યું કે દેશના 500 મેગાવોટના પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે તેની પ્રથમ ક્રિટિકલિટી હાંસલ કરી છે. આ પ્રગતિ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને અદ્યતન ટેક્નોલોજીમાં ભારતની ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે.

‘મેડ ઈન ઈન્ડિયા’ રોકેટ અને સ્ટાર્ટઅપ્સની સિદ્ધિ

વડાપ્રધાને અવકાશ ક્ષેત્રમાં ભારતીય સ્ટાર્ટઅપ્સની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમને જણાવ્યું કે ભારતીય સ્ટાર્ટઅપ્સે સ્વદેશી રોકેટનો ઉપયોગ કરીને ઉપગ્રહોને તેમની કક્ષામાં સ્થાપિત કરવાની સિદ્ધિ મેળવી છે. ભારતે સેટેલાઈટ ડોકિંગની ક્ષમતા પણ હાંસલ કરી છે. તેમના મતે અવકાશ વિજ્ઞાનમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલા નવા ઉકેલો દેશના ટેક્નોલોજીકલ વિકાસને વેગ આપશે.

AI વૈજ્ઞાનિકોની વિચારશક્તિને વધુ મજબૂત બનાવે: PM મોદી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI અનેક નિયમિત કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકે છે અને સંશોધનની ઉત્પાદકતા વધારી શકે છે. પરંતુ તેનો ઉપયોગ વૈજ્ઞાનિકોની સ્વતંત્ર વિચારશક્તિને મર્યાદિત કરવાને બદલે વધુ વિકસાવવા માટે થવો જોઈએ. તેમને ભાર મૂક્યો કે AIથી બચેલો સમય વધુ જટિલ સમસ્યાઓ ઉકેલવા, નવા પ્રયોગો કરવા અને વૈજ્ઞાનિક વિચારોની ચકાસણી કરવા માટે વાપરવો જોઈએ. AI ઝડપથી જવાબ આપી શકે છે, પરંતુ તે જવાબોની ચોકસાઈ ચકાસવાની જવાબદારી વૈજ્ઞાનિકોની જ રહેશે.

વડાપ્રધાનના સંદેશનો મુખ્ય સાર એ હતો કે વિકસિત ભારત માટે માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પૂરતો નથી, નવી શોધો, સંશોધન અને સ્વદેશી ટેક્નોલોજીના વિકાસમાં પણ ભારતે અગ્રેસર બનવું પડશે.

આ પણ વાંચો: ESTIC 2026 કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે PM મોદી, 150 ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સની નવીન ટેક્નોલોજીનું થશે પ્રદર્શન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.