Tata iPhone Factory Accident: ટાટાની iPhone પાર્ટ્સ ફેક્ટરીમાં ઝેરી ગેસથી 3ના મોત, Appleએ શરૂ કરી તપાસ


Tata Electronics iPhone factory toxic તમિલનાડુ ફેક્ટરી
Tata iPhone Factory Accident: ટાટાની iPhone પાર્ટ્સ ફેક્ટરીમાં ઝેરી ગેસથી 3ના મોત, Appleએ શરૂ કરી તપાસ


Tata Electronics iPhone factory toxic તમિલનાડુ ફેક્ટરી
Tata iPhone Factory Accident: દક્ષિણ ભારતમાં આવેલી ટાટા ઇલેક્ટ્રોનિક્સની iPhone પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. તમિલનાડુ સ્થિત ફેક્ટરીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)માં જાળવણીની કામગીરી દરમિયાન ઝેરી ગેસની ઝપેટમાં આવવાથી ત્રણ કર્મચારીઓનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે ટેકનોલોજી કંપની એપલે પણ તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એપલની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને કર્મચારીઓનાં મોત પાછળનાં સંજોગોની તપાસ કરી હતી. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓએ પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાળવણી દરમિયાન બની દુર્ઘટના
તમિલનાડુમાં આવેલી ટાટા ઇલેક્ટ્રોનિક્સની ફેક્ટરીમાં એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના જાળવણીનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક કર્મચારી ટ્રીટમેન્ટ ટાંકીની અંદર તપાસ કરવા ગયો હતો. ત્યાં ઝેરી ગેસની અસર થતાં તે બેભાન થઈ ગયો હતો. આ ઘટનાએ ફેક્ટરીમાં અફરાતફરી મચાવી હતી.
એકને બચાવવા ગયેલા અન્ય બે કર્મચારીઓ પણ બેભાન
પ્રાથમિક વિગતો અનુસાર, ટાંકીમાં બેભાન થયેલા કર્મચારીને બચાવવા માટે અન્ય બે કર્મચારીઓ પણ અંદર ગયા હતા. જોકે, તેઓ પણ ઝેરી ગેસની ઝપેટમાં આવીને બેભાન થઈ ગયા હતા. ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢીને હોસુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Appleની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી
આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એપલે તપાસ શરૂ કરી છે. અહેવાલો મુજબ, કંપનીની ટીમે ફેક્ટરીની મુલાકાત લઈને ઘટનાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. જોકે, આ દુર્ઘટનાની ફેક્ટરીના ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી, કારણ કે તહેવારોની રજાઓને કારણે પ્લાન્ટ બંધ હતો.
જિલ્લા વહીવટી તંત્રે પણ શરૂ કરી તપાસ
સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે જાળવણીની કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં. પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસને મોતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમના અંતિમ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ
આ ઘટના બાદ ટાટા ઇલેક્ટ્રોનિક્સને ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી માટે જવાબદાર એજન્સીઓનાં સુરક્ષા અને કામગીરીનાં ધોરણોની વ્યાપક સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે. તમિલનાડુના ઉદ્યોગ મંત્રીએ પણ કર્મચારીઓની સુરક્ષા અને સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને તેના આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : Bhuj Ashapura Temple: આશાપુરા મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ, માતાજીને ધરાવાયા 56 ભોગ




