BJP Akali Dal Alliance: પંજાબમાં ભાજપ અને અકાલી દળનું ગઠબંધન જાહેર, અમિત શાહે 6 વર્ષ બાદ ફરી સાથે આવવાની કરી જાહેરાત

BJP Akali Dal Alliance: પંજાબના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ફરી ગઠબંધન થવાની જાહેરાત કરી છે.
Nisha Parmar
Nisha Parmar
BJP Akali Dal alliance announced Amit Shah Sukhbir Badal ગઠબંધનBJP Akali Dal alliance announced Amit Shah Sukhbir Badal ગઠબંધન

BJP Akali Dal alliance announced Amit Shah Sukhbir Badal ગઠબંધન

BJP Akali Dal Alliance: પંજાબના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ફરી ગઠબંધન થવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં કૃષિ કાયદાઓના મુદ્દે અલગ થયેલા બંને પક્ષો હવે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત સાથે પંજાબમાં નવા રાજકીય સમીકરણની શરૂઆત થઈ છે. ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના અવસરે બંને પક્ષો ફરી એક મંચ પર આવ્યા છે.

અમિત શાહે ગઠબંધનની જાહેરાત કરી

દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષોએ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.

6 વર્ષ બાદ ફરી એક થયા જૂના સાથી

ભાજપ અને અકાલી દળ વચ્ચે લાંબા સમયથી રાજકીય ગઠબંધન હતું. જોકે, સપ્ટેમ્બર 2020માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં અકાલી દળે NDAમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ સાથે બંને પક્ષો વચ્ચેનું 24 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું. હવે છ વર્ષ બાદ બંને પક્ષો ફરી એકસાથે આવ્યા છે.

2027ની પંજાબ ચૂંટણી પર રહેશે બંને પક્ષોની નજર

આ ગઠબંધનનો મુખ્ય હેતુ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મજબૂત રાજકીય પડકાર ઊભો કરવાનો છે. રાજ્યમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યારે કોંગ્રેસ પણ મુખ્ય વિરોધ પક્ષ તરીકે સક્રિય છે. ભાજપ અને અકાલી દળ સાથે આવતાં ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો ઊભા થવાની શક્યતા છે.

2022ની ચૂંટણીમાં બંને પક્ષોને થયો હતો મોટો ફટકો

2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં અકાલી દળને માત્ર ત્રણ બેઠકો મળી હતી, જ્યારે ભાજપે બે બેઠકો જીતી હતી. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. અલગ ચૂંટણી લડવાના પરિણામો બાદ બંને પક્ષો ફરી ગઠબંધનના માર્ગે આગળ વધ્યા છે.

બેઠકોની વહેંચણી બનશે મહત્વનો મુદ્દો

ગઠબંધનની જાહેરાત બાદ હવે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા મહત્વપૂર્ણ રહેશે. અગાઉના ગઠબંધનમાં અકાલી દળ 94 બેઠકો અને ભાજપ 23 બેઠકો પર ચૂંટણી લડતું હતું. જોકે, 2027ની ચૂંટણી માટે નવી સમજૂતી હેઠળ કઈ પાર્ટી કેટલી બેઠકો પર ઉમેદવારો ઉતારશે તે અંગેની વિગતો જાહેર થવાની બાકી છે.


બેઠકોની વહેંચણી અંગે ચર્ચા બાદમાં થશે: નીતિન નવીન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે શિરોમણી અકાલી દળના NDAમાં ફરી જોડાવાથી ગઠબંધનની તાકાતમાં વધારો થશે. તેમણે બંને પક્ષો વચ્ચેના સંબંધોને સ્વાભાવિક ગણાવતાં કહ્યું કે આ ગઠબંધન માત્ર રાજકીય સ્તરે જ નહીં, પરંતુ જનતા અને કાર્યકરો વચ્ચે પણ સ્વાભાવિક છે. બેઠકોની વહેંચણી અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે ચર્ચા બાદમાં કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 1675માં ગુરુ તેગ બહાદુરે ધર્મપરિવર્તન રોકવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમના બલિદાન દિવસના અવસરે તેમના સંદેશાઓ લઈને સમાજ વચ્ચે જવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Sheikh Hasina Return: 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? વતન પહોંચતાં જ ધરપકડની શક્યતા