Get News Alerts

Never miss breaking news updates.

‘દેશના યુવાનોની શક્તિ અને સામર્થ્ય પર ભરોસો’, ખેલો ઈન્ડિયા સંવાદમાં PM મોદીએ યુવાનોને આપી મોટી વાત

PM Modi Khelo India Dialogue: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ – ખેલની વાત, વડાપ્રધાન મોદી સાથે’ કાર્યક્રમમાં દેશભરના યુવા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.
R Gajjar
R GajjarUpdated on: 27 Aug 2026 03:55 PM IST
‘દેશના યુવાનોની શક્તિ અને સામર્થ્ય પર ભરોસો’, ખેલો ઈન્ડિયા સંવાદમાં PM મોદીએ યુવાનોને આપી મોટી વાત‘દેશના યુવાનોની શક્તિ અને સામર્થ્ય પર ભરોસો’, ખેલો ઈન્ડિયા સંવાદમાં PM મોદીએ યુવાનોને આપી મોટી વાત

PM Modi Khelo India Dialogue

PM Modi Khelo India Dialogue: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ – ખેલની વાત, વડાપ્રધાન મોદી સાથે’ કાર્યક્રમમાં દેશભરના યુવા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે રમતગમતને વિકસિત ભારતના નિર્માણ સાથે જોડતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના યુવાનોની શક્તિ અને સામર્થ્ય પર તેમને સંપૂર્ણ ભરોસો છે. તેમણે યુવાનોને રમતગમતમાં વધુ સક્રિય ભાગ લેવા અને દેશના સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ

PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત 29 ઓગસ્ટના રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છા સાથે કરી હતી. તેમણે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને યાદ કરતાં કહ્યું કે આ દિવસ તેમના યોગદાનને યાદ કરવાનો પણ અવસર છે. તેમણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમત સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મેજર ધ્યાનચંદના સમયથી બંને દેશો વચ્ચેના રમતગમતના સંબંધોને નવી દિશા મળી હતી.

‘રમત માત્ર મેડલ જીતવા પૂરતી નથી’

વડાપ્રધાને કહ્યું કે રમતગમતનો હેતુ માત્ર મેડલ જીતવા સુધી મર્યાદિત નથી. રમત વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ, પરિવારના ગૌરવ અને દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે. તેમણે પોતાના જાણીતા સંદેશ ‘જે રમશે તે ખીલશે’ને આગળ ધપાવતા કહ્યું કે રમતમાં જીત અને હાર બંનેમાંથી શીખવાની તક મળે છે. રમત માણસને પડ્યા બાદ ફરી ઊભા થવાની હિંમત આપે છે.

ઓલિમ્પિકમાં વધુ રમતોમાં ભારતની ભાગીદારી પર ભાર

PM મોદીએ કહ્યું કે ઓલિમ્પિકમાં યોજાતી ઘણી રમતોમાં ભારતની ભાગીદારી હજુ પણ મર્યાદિત છે. વર્ષ 2012ના ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તે સમયે ભારતે માત્ર 13 રમતોમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે દેશે હવે એવી રમતોમાં પણ પોતાની હાજરી વધારવી પડશે, જેમાં વિશ્વના અન્ય દેશો મેડલ જીતી રહ્યા છે. સર્ફિંગ, સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ, વોટર સ્પોર્ટ્સ અને વિન્ટર સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ભારત પાસે મોટી સંભાવનાઓ હોવાનું તેમણે જણાવ્યું.

2036 ઓલિમ્પિક માટે આજથી તૈયારી

વડાપ્રધાન મોદીએ 2036 ઓલિમ્પિક માટે લાંબા ગાળાની તૈયારી પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે 2036માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની શોધ અને તાલીમ આજથી જ શરૂ કરવી જરૂરી છે. આ માટે 5થી 15 વર્ષની વયના બાળકોમાં પ્રતિભા શોધવા માટે મોટા પાયે ટેલેન્ટ હન્ટ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. માત્ર બાળકને કઈ રમત ગમે છે તે જ નહીં, પરંતુ તે કઈ રમત માટે યોગ્ય છે તે ઓળખીને તાલીમ આપવાની દિશામાં કામ કરવામાં આવશે.

રમતગમતનું આધુનિક ઈકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય

PM મોદીએ કહ્યું કે સરકાર દેશમાં 21મી સદીનું આધુનિક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ ઊભું કરવા માટે કામ કરી રહી છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટીથી લઈને તાલીમ કેન્દ્રો સુધી એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે, જેમાં પ્રતિભાની ઓળખથી લઈને ખેલાડીને ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવા સુધી સહયોગ આપવામાં આવે. તેમણે કહ્યું કે રમતગમતના ક્ષેત્રમાં અન્ય દેશો સાથે સહયોગ વધારવા ઉપરાંત રમત વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને આધુનિક તાલીમ પદ્ધતિઓમાં પણ યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી છે.

ખેલાડીઓની સફળતાથી પરિવાર અને વિસ્તારનું ગૌરવ વધે છે

વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે કોઈ ખેલાડી સફળ થાય છે ત્યારે તેની સાથે તેના પરિવાર, શાળા-કોલેજ, જિલ્લા અને રાજ્યની ઓળખ પણ વધે છે. કોઈ વિસ્તારનો ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થાય ત્યારે વિશ્વના નકશા પર તે વિસ્તારની ઓળખ વધુ મજબૂત બને છે. તેમણે દેશના અલગ-અલગ જિલ્લાઓમાં રમતગમતની પ્રતિભા અને સંભાવનાઓ શોધવા પર ભાર મૂક્યો હતો.

પેરા એથ્લેટ્સને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત

PM મોદીએ પેરા એથ્લેટ્સની સિદ્ધિઓને પણ યાદ કરી હતી. તેમણે શીતલ દેવી, અવની લેખરા, સુમિત અંતિલ અને નિતેશ કુમાર સહિતના ખેલાડીઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે પેરા એથ્લેટ્સની સફળતા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે કહ્યું કે આવા ખેલાડીઓની સિદ્ધિ માત્ર મેડલ સુધી સીમિત નથી રહેતી, પરંતુ તેમના પરિવાર અને સમાજના આત્મવિશ્વાસને પણ મજબૂત બનાવે છે.

‘સ્ક્રીન કરતાં રમતના મેદાનને વધુ મહત્વ આપો’

વડાપ્રધાને યુવાનોને સ્ક્રીન ટાઇમ ઘટાડીને રમતગમત તરફ વળવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે ‘સ્ક્રીન કરતાં રમત કેન્દ્રોનું મહત્વ વધારે છે અને પ્લે સ્ટેશન કરતાં પ્લે ગ્રાઉન્ડનું મહત્વ વધારે છે.’ તેમણે કહ્યું કે રમતગમત વ્યક્તિને ફિટ રાખવાની સાથે નશાથી દૂર રહેવાની ઈચ્છાશક્તિ પણ આપે છે. આજે રમત એક કારકિર્દી તરીકે પણ ઉભરી રહી છે અને સમાજમાં રમત પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે.

યુવાનોના વિચારોને નીતિમાં સામેલ કરવાની વાત

‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’ને માત્ર રમતની ચર્ચા માટેનું પ્લેટફોર્મ નહીં પરંતુ દેશના સ્પોર્ટ્સ વિઝનને નવી દિશા આપતું મંચ ગણાવતા PM મોદીએ કહ્યું કે યુવાનોના વિચારો, સૂચનો અને અનુભવોને સાંભળવામાં આવશે. તેમણે યુવાનોને નવા વિચારો સાથે આગળ આવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી જ ભારતની સૌથી મોટી શક્તિ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]