Odisha Fire Accident: દિવાળી પહેલાં ઓડિશામાં માતમ, ઘરમાં ભીષણ આગથી બે બાળકો સહિત એક જ પરિવારના 4નાં મોત

Odisha Fire Accident: દિવાળીના તહેવાર પહેલાં ઓડિશાના જાજપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અગ્નિકાંડ સર્જાયો છે. બાલિચંદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાલીપુર ગામમાં શનિવારે રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી.
Nisha Parmar
Nisha Parmar
Odisha Jajpur house fire accident news ઓડિશા અગ્નિકાંડOdisha Jajpur house fire accident news ઓડિશા અગ્નિકાંડ

Odisha Jajpur house fire accident news ઓડિશા અગ્નિકાંડ

Odisha Fire Accident: દિવાળીના તહેવાર પહેલાં ઓડિશાના જાજપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અગ્નિકાંડ સર્જાયો છે. બાલિચંદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાલીપુર ગામમાં શનિવારે રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં આવતાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં પરિવારનો અન્ય એક 22 વર્ષીય સભ્ય ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રસોઈ દરમિયાન લાગી આગ, ઘરમાં ફેલાઈ અફરાતફરી

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. તે સમયે ઘરમાં તબસ્સુમ (42) અને તેમની પિયર આવેલી દીકરી ગુલઅફસા (27) LPG ગેસનો ઉપયોગ કરીને પરિવાર માટે ભોજન બનાવી રહ્યાં હતાં. ઘરમાં બે બાળકો પણ હાજર હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે, મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.

આ દુર્ઘટનામાં મકાનમાલિક નિઝામુદ્દીનની પુત્રવધૂ તબસ્સુમ, તેમની દીકરી ગુલઅફસા અને ગુલઅફસાના 10 વર્ષ તથા 8 વર્ષનાં બે બાળકોનાં મોત થયાં હતાં. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક મળી નહોતી.

બહાર નીકળવા માટે એક જ દરવાજો હતો

ઘટનાની જાણ થતાં ચાંદીખોલ ફાયર સ્ટેશન અને બાલિચંદ્રપુર પોલીસની ટીમ તાત્કાલિક નાલીપુર ગામે પહોંચી હતી. ફાયર વિભાગના અધિકારી સંતોષ કુમાર સ્વેને આગની ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, મકાનમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો હતો. આગ ઝડપથી ફેલાતાં ઘરના સભ્યો બહાર નીકળી શક્યા નહોતા.

આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા 22 વર્ષીય યુવકને તાત્કાલિક બચાવીને બડચણા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આગનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

અગ્નિકાંડ બાદ પોલીસ અને ફાયર વિભાગે બચાવ તથા જરૂરી કામગીરી હાથ ધરી હતી. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

દિવાળીના તહેવાર પહેલાં બનેલી આ દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનો અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી સમગ્ર ગામમાં પણ શોકની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો : Rajinikanth Diwali Celebration: રજનીકાંતે ચાહકો સાથે મનાવી દિવાળી, ચેન્નાઈના ઘર બહાર ઉમટી પડ્યું સેંકડો પ્રશંસકોનું ટોળું