Get News Alerts

Never miss breaking news updates.

નેપાળના ભયાનક પૂર પર સદ્‍ગુરુનું અપડેટ, 80 યાત્રિકો અંગે ચિંતા; સંપર્ક તૂટી જતાં સ્થિતિ ગંભીર

Nepal Flood 2026: તિબેટ-નેપાળ સરહદ નજીક આવેલા વિસ્તારમાં અચાનક આવેલા ભયાનક પૂરે ભારે તબાહી સર્જી છે. આ ઘટનાને લઈને આધ્યાત્મિક ગુરુ સદ્‍ગુરુએ એક વીડિયો અપડેટ દ્વારા સ્થિતિ અંગે માહિતી શેર...
R Gajjar
R GajjarUpdated on: 27 Aug 2026 04:37 PM IST
નેપાળના ભયાનક પૂર પર સદ્‍ગુરુનું અપડેટ, 80 યાત્રિકો અંગે ચિંતા; સંપર્ક તૂટી જતાં સ્થિતિ ગંભીરનેપાળના ભયાનક પૂર પર સદ્‍ગુરુનું અપડેટ, 80 યાત્રિકો અંગે ચિંતા; સંપર્ક તૂટી જતાં સ્થિતિ ગંભીર

Nepal Flood 2026

Nepal Flood 2026: તિબેટ-નેપાળ સરહદ નજીક આવેલા વિસ્તારમાં અચાનક આવેલા ભયાનક પૂરે ભારે તબાહી સર્જી છે. આ ઘટનાને લઈને આધ્યાત્મિક ગુરુ સદ્‍ગુરુએ એક વીડિયો અપડેટ દ્વારા સ્થિતિ અંગે માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે નેપાળ તરફથી મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે ઘટનાસ્થળ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હોવાથી ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

સદ્‍ગુરુએ ઘટનાને ગણાવી અત્યંત ગંભીર

સદ્‍ગુરુના જણાવ્યા અનુસાર, તેઓ પોતે ઘટનાસ્થળે જવા માટે સવારે નીકળવાના હતા, પરંતુ રસ્તાઓ બંધ હોવા, ફોન અને અન્ય નેટવર્ક સેવાઓ ખોરવાઈ જવા તથા સંપર્ક તૂટી જવાના કારણે તેઓ ત્યાં પહોંચી શક્યા નહોતા. તેમણે જણાવ્યું કે પૂરના કારણે જે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે, ત્યાંના કેટલાક વિસ્તારો પાણીમાં વહી ગયા હોવાની માહિતી મળી છે. સદ્‍ગુરુએ ખાસ કરીને એક એવા બિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં તેઓ થોડા દિવસો પહેલાં ઈમિગ્રેશન પ્રક્રિયા માટે ગયા હતા અને હવે તે બિલ્ડિંગ પણ પૂરમાં તણાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

80 યાત્રિકો અંગે સદ્‍ગુરુની ચિંતા

સદ્‍ગુરુએ જણાવ્યું કે તેમની સાથે સંકળાયેલું એક ગ્રૂપ ઘટનાસ્થળની નજીક હતું. તેમના જણાવ્યા અનુસાર આ ગ્રૂપમાં વિવિધ દેશોના કુલ 80 યાત્રિકો હતા, જેમાં 34 પુરુષ અને 46 મહિલા યાત્રીઓનો સમાવેશ થાય છે. આ ગ્રૂપમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્પેન સહિતના દેશોના યાત્રિકો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ત્રણ સ્વયંસેવકો અને એક ડૉક્ટર પણ તેમની સાથે હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, સદ્‍ગુરુએ સ્પષ્ટ કર્યું કે આ યાત્રિકો અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે તેમની સ્થિતિ જાણી શકાયી નથી.

ગ્રૂપ લીડરનો છેલ્લો મેસેજ મળ્યો

સદ્‍ગુરુના જણાવ્યા અનુસાર, ગ્રૂપ લીડર પ્રવીણ તરફથી સવારે 9:05 વાગ્યે મેસેજ મળ્યો હતો. તેમાં તેમણે ઈમિગ્રેશન સ્થળે પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માત્ર થોડા જ સમય બાદ એટલે કે આશરે 9:14 વાગ્યે આ કુદરતી આફત સર્જાઈ હોવાનું સદ્‍ગુરુએ જણાવ્યું. ત્યારપછી ગ્રૂપ લીડરનો નેપાળનો ફોન પણ ચાલુ ન થયો હોવાથી ચિંતા વધુ વધી હોવાનું તેમણે જણાવ્યું હતું. સદ્‍ગુરુએ કહ્યું કે જો ગ્રૂપના સભ્યો સરહદ પાર કરી ગયા હોત તો ફોન નેટવર્ક ઉપલબ્ધ થવાની શક્યતા હતી. જોકે, ફોન ચાલુ ન થતાં તેઓ તે સમયે ઈમિગ્રેશન બિલ્ડિંગમાં જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

484 લોકો ગુમ હોવાનો દાવો, પરંતુ સત્તાવાર પુષ્ટિ નહીં

સદ્‍ગુરુએ જણાવ્યું કે ભારતીય સમાચાર અહેવાલોમાં નેપાળ તરફ આશરે 484 લોકો ગુમ થયાની માહિતી સામે આવી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ આંકડાની તેમની પાસે સત્તાવાર પુષ્ટિ નથી. તેમણે એમ પણ જણાવ્યું કે સમગ્ર ઘટનામાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1,500થી વધુ હોવાની શક્યતા છે. ખાસ કરીને સ્થાનિક નેપાળી ગાઈડ અને તેમના પરિવારો અંગે પણ હજુ ચોક્કસ માહિતી મળી શકી નથી. આથી હાલ સામે આવેલા આંકડાઓને અંતિમ માનવા કરતાં વધુ સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી છે.

વિવિધ દેશોની એમ્બેસીઓને જાણ કરવામાં આવી

સદ્‍ગુરુએ જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ ભારત અને નેપાળમાં આવેલા વિવિધ દેશોના દૂતાવાસોને માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરીને શક્ય તેટલી મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારતીય દૂતાવાસ તેમજ ભારતમાં આવેલા ચીની દૂતાવાસ મારફતે ઘટનાસ્થળે જવા માટે પરવાનગી મેળવવાના પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી. અમેરિકન દૂતાવાસ પણ આ દિશામાં મદદ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.

12 કલાક બાદ પણ સંપર્કનો અભાવ

સદ્‍ગુરુના જણાવ્યા અનુસાર, ઘટનાને લગભગ 12 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં સંપર્ક વ્યવસ્થા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ નહોતી. આ કારણે ઘટનાસ્થળે ફસાયેલા લોકો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત યાત્રિકોના પરિવારોને પણ માહિતી મોકલવામાં આવી છે અને પરિસ્થિતિ અંગે સતત માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.

સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી

નેપાળમાં પૂર બાદની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સદ્‍ગુરુના અપડેટ પરથી જણાય છે. જોકે, ગુમ થયેલા લોકોની સંખ્યા, યાત્રિકોની સ્થિતિ અને જાનહાનિ અંગે હજુ સત્તાવાર રીતે સંપૂર્ણ માહિતી સામે આવી નથી. આથી હાલ સદ્‍ગુરુ દ્વારા આપવામાં આવેલા આંકડા અને વિગતોને તેમના નિવેદન અને ઉપલબ્ધ અહેવાલોના આધારે જોવી જરૂરી છે. ઘટનાસ્થળ સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત થયા બાદ જ પરિસ્થિતિની વાસ્તવિક ગંભીરતા અને નુકસાન અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]