PM મોદીના કાર્યક્રમ પહેલાં મુંબઈમાં બે શખ્સ ઝડપાયા, ફેક PMO ID અને બંદૂક મળ્યાની માહિતી



Mumbai PM Modi Event Suspects
PM મોદીના કાર્યક્રમ પહેલાં મુંબઈમાં બે શખ્સ ઝડપાયા, ફેક PMO ID અને બંદૂક મળ્યાની માહિતી



Mumbai PM Modi Event Suspects
Mumbai PM Modi Event Suspects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈના કાર્યક્રમ પહેલાં BKC વિસ્તારમાં બે શંકાસ્પદ શખ્સોને પોલીસે ઝડપી લીધા હોવાની માહિતી સામે આવી છે. BKC સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક શખ્સે પોતે PMO અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને તેની પાસેથી ફેક PMO ઓળખપત્ર મળી આવ્યું હોવાની માહિતી છે. તેની સાથે રહેલા બોડીગાર્ડ પાસેથી બંદૂક પણ મળી હોવાનું જણાવાયું છે.
https://twitter.com/ians_india/status/2097302842096976147
PMO અધિકારી હોવાનો કર્યો હતો દાવો
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી તરીકે રોહન પારેખનું નામ સામે આવ્યું છે. તેણે પોતે વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનો દાવો કર્યો હતો. સુરક્ષા તપાસ દરમિયાન તેની ઓળખ અંગે શંકા જતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ઓળખપત્ર ફેક હોવાનું સામે આવ્યું હોવાની માહિતી છે. આ મામલે BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
બોડીગાર્ડ પાસેથી બંદૂક મળી
પોલીસની માહિતી મુજબ, રોહન પારેખ સાથે રહેલા બોડીગાર્ડ દિલીપ કુંદે પાસેથી બંદૂક મળી આવી હતી. જોકે, પોલીસ તપાસમાં હથિયારનું લાઇસન્સ માન્ય હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ફેક સરકારી ઓળખપત્રનો ઉપયોગ કરીને કાર્યક્રમ સ્થળે પ્રવેશવાનો પ્રયાસ શા માટે કરવામાં આવ્યો હતો અને આ પાછળનો હેતુ શું હતો.
બે આરોપીઓને 11 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી
મામલામાં બંનેની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 11 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હોવાની માહિતી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉથી જ સ્થળ પર પહોંચ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. આ કેસમાં ત્રીજા શખ્સનું નામ પ્રથમેશ બાગૂર હોવાનું જણાવાયું છે અને તે હાલ ફરાર હોવાનું કહેવાય છે.
આરોપીના વકીલે શું કહ્યું?
રોહન પારેખના વકીલ સિનિયર એડવોકેટ સતીશ માનેશિંદેએ જણાવ્યું કે આ મામલો સંવેદનશીલ આરોપો સાથે જોડાયેલો હોવાથી સંપૂર્ણ તપાસ અને માહિતીની પુષ્ટિ કર્યા બાદ નિવેદન આપવામાં આવશે. વકીલના જણાવ્યા મુજબ, રોહનનો જિયો મોલનો પ્રવાસ વ્યક્તિગત હતો અને તેનો વડાપ્રધાનના કાર્યક્રમ સાથે સીધો સંબંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રોહન તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેને PMOના નામે ફેક ઈ-મેઇલ મળ્યો હતો અને કોઈ તરુણ નામના વ્યક્તિએ તેને આ માહિતી મોકલી હતી. જોકે, આ ઈ-મેઇલની ખરાઈ અંગે હજુ તપાસ ચાલી રહી છે.
ત્રણ શખ્સો સામે કાર્યવાહીનો આરોપ
મુંબઈ પોલીસે જણાવ્યું છે કે ત્રણ શખ્સોએ કથિત રીતે શંકાસ્પદ સરકારી ઓળખપત્રનો ઉપયોગ કરી હથિયાર સાથે મોલની સુરક્ષા વ્યવસ્થા પાર કરીને BKCના જિયો વર્લ્ડ પ્લાઝામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરવા અને હથિયાર સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશવા સહિત BNSની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના BKC સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



