Mumbai : ધારાવી પુનર્વસન પ્રોજેક્ટનું પ્રણવ અદાણીના હસ્તે ખાતમુહૂર્ત, 10 ટાવરમાં બનશે 10,432 ઘર


Mumbai
Mumbai : ધારાવી પુનર્વસન પ્રોજેક્ટનું પ્રણવ અદાણીના હસ્તે ખાતમુહૂર્ત, 10 ટાવરમાં બનશે 10,432 ઘર


Mumbai
Mumbai : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક ગણાતી ધારાવીના પુનર્વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીના હસ્તે સોમવારે મુંબઈના માટુંગા વિસ્તારમાં આવેલી 22 એકરની રેલવે સાઈટ પર ખાતમુહૂર્ત સાથે પુનર્વસન માટેના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ ધારાવીના પાત્ર રહેવાસીઓને વધુ સારી રહેણાક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
10 ટાવરમાં 10,432 ઘરનું નિર્માણ
આ પ્રોજેક્ટ માટે રચાયેલી સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) અદાણી નવભારત ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પાત્ર રહેવાસીઓને હાલના સ્થળે જ પુનર્વસન યોજના હેઠળ 350 ચોરસ ફૂટનાં ઘર આપવાનું આયોજન છે. માટુંગાની સાઈટ પર કુલ 10 ટાવર બનાવવામાં આવશે, જેમાં 10,432 રહેણાક એકમો ઉપરાંત 1,379 વ્યાવસાયિક અને ઔદ્યોગિક એકમોનું નિર્માણ થશે. પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે દરેક પરિવારને સુરક્ષિત ઘર મળવું જોઈએ, જેથી તેઓ પોતાના ભવિષ્યનું આયોજન કરી શકે. ધારાવીના પરિવારો માટે આ બાબતનું વિશેષ મહત્ત્વ છે અને પ્રોજેક્ટ દ્વારા તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્રણ તબક્કામાં પૂર્ણ થશે બાંધકામ, આધુનિક સુવિધાઓથી સજ્જ હશે ટાવર
આ 10 ટાવર મહારાષ્ટ્ર સરકારના ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળને ત્રણ તબક્કામાં સોંપવામાં આવશે. પ્રથમ પાંચ ટાવર માર્ચ 2029 સુધીમાં ત્યારબાદના બે ટાવર ઓગસ્ટ 2029 સુધીમાં અને બાકીના ત્રણ ટાવર ઓગસ્ટ 2030 સુધીમાં સોંપવાનું આયોજન છે. દરેક ટાવરમાં 37થી 39 માળ, પેસેન્જર લિફ્ટ, ફાયર લિફ્ટ, કિન્ડરગાર્ટન, કોમ્યુનિટી હોલ, ગાર્ડન, બેસવાની જગ્યાઓ અને પૂજા સ્થળો જેવી સુવિધાઓ હશે. દરેક પુનર્વસન બિલ્ડિંગમાં 10 ટકા વ્યાવસાયિક જગ્યા પણ અનામત રાખવામાં આવશે. વિકાસકર્તા દ્વારા બિલ્ડિંગ સોંપ્યા પછીના પ્રથમ 10 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રહેઠાણ ઉપરાંત દુકાનો, શાળાઓ, આરોગ્યસંભાળ, ઉદ્યાનો અને જાહેર પરિવહન જેવી સુવિધાઓ સાથે આધુનિક મિશ્ર-ઉપયોગ ટાઉનશીપ વિકસાવવાનું આયોજન છે.
આ પણ વાંચો : Jantar Mantar Protest: જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શન સ્થળ રહેશે નહીં, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળો નક્કી કર્યા





