Manipur Hooch Tragedy: મણિપુરમાં ઝેરી મિલાવટી દારૂનો કહેર, 15 લોકોનાં મોત; 180થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ


Manipur hooch tragedy Chandel district hospital victims ઝેરી દારૂ
Manipur Hooch Tragedy: મણિપુરમાં ઝેરી મિલાવટી દારૂનો કહેર, 15 લોકોનાં મોત; 180થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ


Manipur hooch tragedy Chandel district hospital victims ઝેરી દારૂ
Manipur Hooch Tragedy: મણિપુરમાં શંકાસ્પદ મિલાવટી દારૂ પીવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજ્યના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે 180થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
ચંદેલ જિલ્લામાં 18થી 20 નવેમ્બર દરમિયાન મોત
મળતી માહિતી અનુસાર, 18થી 20 નવેમ્બર દરમિયાન આ દુર્ઘટનામાં મોત થયાં છે. શરૂઆતમાં ચંદેલના પોલીસ અધિક્ષક દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આઠ લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 15 થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કેટલાક લોકોનાં મોત ઘરે જ થયાં હતાં, જ્યારે કેટલાકે હોસ્પિટલ લઈ જતી વખતે અથવા સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
સુગનુથી લાવવામાં આવેલી દારૂ પીધાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અસરગ્રસ્ત લોકોએ જે દારૂ પીધો હતો તે કાકચિંગ જિલ્લાના સુગનુ વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ચંદેલ જિલ્લા પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ દારૂનું ઉત્પાદન ચંદેલ જિલ્લામાં થયું હોવાની માહિતી નથી. જોકે, દારૂમાં કયા પ્રકારનું ઝેરી તત્ત્વ હતું અને મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ ચાલુ છે.
મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિ જાણી
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ઇમ્ફાલ સ્થિત શિજા હોસ્પિટલ અને બાબીના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તબીબી ટીમ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અસરગ્રસ્ત વિસ્તાર માટે નિષ્ણાત તબીબો અને જરૂરી દવાઓ સાથે મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે જાહેર કરી આરોગ્ય સલાહ
ઘટનાને પગલે ચંદેલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર આરોગ્ય સલાહ જાહેર કરવામાં આવી છે. લોકોને સ્થાનિક રીતે બનાવવામાં આવતી શંકાસ્પદ દારૂ અને અજાણ્યા સ્ત્રોતમાંથી મળતાં આલ્કોહોલિક પીણાંનું સેવન નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. દારૂ પીધા બાદ કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા સૂચના આપવામાં આવી છે.
આ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ
વહીવટીતંત્રે ખાસ કરીને ઊલટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, ધૂંધળું દેખાવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અંગે સાવચેતી રાખવા જણાવ્યું છે. શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય પરંતુ હાલમાં કોઈ લક્ષણ ન હોય તો પણ તબીબી તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ દારૂનું વેચાણ, સંગ્રહ કે વિતરણ થતું હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.




