Canada Police: કેનેડાની પોલીસમાં જોડાયા પંજાબના ફાઝિલ્કાના બે યુવાનો, પરિવાર અને વિસ્તારનું વધાર્યું ગૌરવ

Canada Police: પંજાબના ફાઝિલ્કાના નીરજ સિંહ અને ગુરપ્રીત સિંહની કેનેડાની RCMP અને ટોરોન્ટો પોલીસમાં પસંદગી થઈ છે. બંનેની સિદ્ધિથી પરિવાર અને ગામમાં ખુશી છવાઈ છે.
Nancy Shukal
Nancy Shukal
Canada Police: કેનેડાની પોલીસમાં જોડાયા પંજાબના બે યુવાનCanada Police: કેનેડાની પોલીસમાં જોડાયા પંજાબના બે યુવાન

Canada Police: કેનેડાની પોલીસમાં જોડાયા પંજાબના બે યુવાન

Canada Police: પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અર્નીવાળા ગામ સાથે જોડાયેલા બે યુવાનોએ કેનેડાની પોલીસ સેવામાં સ્થાન મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. નીરજ સિંહની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)માં પસંદગી થઈ છે, જ્યારે ગુરપ્રીત સિંહ ટોરોન્ટો પોલીસ સર્વિસમાં જોડાયા છે. તેમની આ સફળતાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે.

નીરજ સિંહે અનેક પડકારો વચ્ચે મેળવી સફળતા

નીરજ સિંહ માટે કેનેડાની રાષ્ટ્રીય પોલીસ સેવામાં સ્થાન મેળવવાની સફર સરળ રહી ન હતી. મીડિયા રિપોર્ટ મુજબ, નીરજ જ્યારે 4 વર્ષના હતા ત્યારે તેમના પિતા પરિવારથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમની માતાએ એકલા હાથે તેમનો ઉછેર કર્યો અને અભ્યાસ કરાવ્યો હતો.

મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં નીરજે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે બ્રિટનની યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયરથી ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. અભ્યાસ બાદ તેમને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યું અને વર્ષ 2019માં કેનેડા ગયા હતા.

વર્ષ 2023માં પ્રોપર્ટીના વ્યવસાયમાં નુકસાન થયા બાદ તેમને પોલીસ સેવામાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. આશરે 18 મહિના સુધી ચાલેલી પસંદગી પ્રક્રિયા અને કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમની RCMPમાં પસંદગી થઈ હતી. આ સમગ્ર સફરમાં તેમની પત્ની અને પુત્રએ સતત પ્રોત્સાહન આપ્યું હતું.

ગુરપ્રીત સિંહે પરિવારની ચાર પેઢીની પરંપરા આગળ વધારી

બીજી તરફ, ગુરપ્રીત સિંહની ટોરોન્ટો પોલીસ સર્વિસમાં પસંદગી થતાં તેમના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે. ગુરપ્રીતના પરિવારની ચાર પેઢીઓ સુરક્ષા સેવાઓ સાથે જોડાયેલી રહી છે. તેમના પિતા પંજાબ પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર છે, જ્યારે તેમના દાદા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં સેવા આપી ચૂક્યા છે.

તેમના વિસ્તૃત પરિવારના 10થી વધુ સભ્યો પોલીસ અથવા સશસ્ત્ર દળોમાં ફરજ બજાવે છે. ગુરપ્રીત ટોરોન્ટો પોલીસમાં કોન્સ્ટેબલ બન્યા હોવાની જાણ થતાં જ ફાઝિલ્કા સ્થિત તેમના ઘરે ઉજવણી શરૂ થઈ ગઈ હતી. પરિવારજનોએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.

ગુરપ્રીતના દાદા બલબીર સિંહે જણાવ્યું હતું કે પૌત્રની કેનેડા પોલીસમાં પસંદગી તેમના પરિવાર માટે ગર્વ અને ખુશીની ક્ષણ છે. તેમણે કહ્યું કે ગુરપ્રીતે આ મુકામ હાંસલ કરવા માટે ખૂબ મહેનત કરી છે. ગુરપ્રીતે ટોરોન્ટો પોલીસમાં જોડાયા બાદ શપથ ગ્રહણ સમારોહ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

પંજાબ માટે ગૌરવની સિદ્ધિ

મીડિયા રિપોર્ટ મુજબ કેનેડાની પોલીસ સેવાઓમાં આ બંને યુવાનોની પસંદગી પંજાબ માટે ખાસ મહત્વ ધરાવે છે. વિદેશમાં જઈને કરિયરની નવી તકો મેળવવી પંજાબના યુવાનોની મહત્વપૂર્ણ આકાંક્ષાઓમાંની એક રહી છે. નીરજ અને ગુરપ્રીતની સફળતાથી તેમના પરિવાર ઉપરાંત સમગ્ર અર્નીવાળા ગામમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: PM Modi: ભારત અને કેનેડા ઐતિહાસિક ટ્રેડ ડીલની નજીક, PM મોદી આવતા મહિને જઈ શકે છે ટોરોન્ટો