PM Modi: ભારત અને કેનેડા ઐતિહાસિક ટ્રેડ ડીલની નજીક, PM મોદી આવતા મહિને જઈ શકે છે ટોરોન્ટો


PM Modi: PM મોદી આવતા મહિને જઈ શકે છે ટોરોન્ટો
PM Modi: ભારત અને કેનેડા ઐતિહાસિક ટ્રેડ ડીલની નજીક, PM મોદી આવતા મહિને જઈ શકે છે ટોરોન્ટો


PM Modi: PM મોદી આવતા મહિને જઈ શકે છે ટોરોન્ટો
PM Modi: ભારત અને કેનેડા વચ્ચે વેપાર સંબંધોને નવી દિશા આપતો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 ડિસેમ્બરે કેનેડાના ટોરોન્ટો અને ઓટાવાની મુલાકાત લઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાનના આ સંભવિત પ્રવાસ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ મુજબ ભારત સાથેના CEPA કરારમાં માલસામાન અને સેવાઓનો વેપાર, રોકાણ, કૃષિ, ડિજિટલ વેપાર, લોકોની અવરજવર અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓનો સમાવેશ થશે. બંને દેશોના અધિકારીઓ 16 નીતિગત ક્ષેત્રોમાં ચર્ચા કરી રહ્યા છે. સેવાઓ સાથે જોડાયેલા 3 અધ્યાય પૂર્ણ થઈ ચૂક્યા છે અને ડિસેમ્બરમાં વધુ એક બેઠક યોજાવાની યોજના છે.
2030 સુધી દ્વિપક્ષીય વેપાર 49 અબજ ડોલર કરવાનો ટાર્ગેટ
વર્ષ 2025માં ભારત અને કેનેડા વચ્ચે માલસામાન તથા સેવાઓનો દ્વિપક્ષીય વેપાર 21.3 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. બંને દેશોનો લક્ષ્યાંક 2030 સુધીમાં આ વેપાર વધારીને આશરે 49 અબજ ડોલર કરવાનો છે. આર્થિક સહયોગની સાથે બંને દેશોના વ્યૂહાત્મક હિતો પણ આ ભાગીદારીને આગળ વધારી રહ્યા છે.
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના આંકડા અનુસાર, વર્ષ 2025માં કેનેડાની કુલ માલસામાન નિકાસનો 71.7 ટકા હિસ્સો અમેરિકામાં ગયો હતો. એક વર્ષ અગાઉ આ આંકડો 75.9 ટકા હતો. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડવાને પોતાની નીતિનો મુખ્ય હિસ્સો બનાવ્યો છે.
બીજી તરફ, ભારત વિશ્વસનીય ભાગીદાર પાસેથી ઈંધણ, ખાદ્યપદાર્થો અને ખનિજોની સુરક્ષિત સપ્લાય સુનિશ્ચિત કરવા માગે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેનેડા પાસે યુરેનિયમ, કુદરતી ગેસ, પોટાશ, કઠોળ, ખનિજો અને પેન્શન મૂડીનો મોટો ભંડાર છે. જ્યારે ભારત પાસે 1.4 અબજ ગ્રાહકો, વિશાળ એન્જિનિયરિંગ વર્કફોર્સ અને જેનરિક દવાઓનો મોટો ઉદ્યોગ છે. કેનેડામાં આશરે 18 લાખ ભારતીય મૂળના લોકો પણ વસે છે.
બંને દેશો વચ્ચે વેપાર અને એનર્જી ક્ષેત્રે સહયોગ વધ્યો
કેનેડાના કનાનાસ્કિસમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવાની દિશામાં પહેલ થઈ હતી.
27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન માર્ક કાર્નીની ભારત મુલાકાત 8 વર્ષમાં કોઈ કેનેડિયન વડાપ્રધાનની પ્રથમ ભારત મુલાકાત હતી. મુંબઈ અને નવી દિલ્હીમાં બંને વડાપ્રધાનોએ CEPA માટેની શરતો પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, વ્યૂહાત્મક ઊર્જા ભાગીદારીની શરૂઆત કરવામાં આવી હતી અને મહત્વપૂર્ણ ખનિજો, નવીનીકરણીય ઊર્જા તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા કરારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મનિન્દર સિદ્ધુ અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે થઈ મુલાકાત
આ દરમિયાન કેમેકો કંપનીએ 1.8 અબજ ડોલરનો યુરેનિયમ કરાર કર્યો હતો. કેનેડાના અધિકારીઓએ આશરે 3.9 અબજ ડોલરના મૂલ્યના 10થી વધુ વ્યાપારી કરારોની પણ માહિતી આપી હતી.
ત્યારબાદ કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ આશરે 300 વેપારીઓના પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હી, બેંગલુરુ અને મુંબઈની મુલાકાતે આવ્યા હતા. ઓક્ટોબરમાં થયેલી આ મુલાકાત દરમિયાન આશરે 210 મિલિયન ડોલરના 34 વ્યાપારી કરારો થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મે 2025થી અત્યાર સુધી મનિન્દર સિદ્ધુ અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે 10 વખત મુલાકાત થઈ છે.
આ પણ વાંચો: Vietnam Flood: વિયેતનામમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, 1,700 ઘરો પાણીમાં ગરકાવ, અનેક માર્ગો પર ભૂસ્ખલન




