Ponzi Scheme Scam: પોન્ઝી કૌભાંડમાં મોટો ખુલાસો, CBI યુક્રેનના ભાગેડુ આરોપીને રોમાનિયાથી ભારત લાવી, હવે ED કરશે પૂછપરછ


Ponzi Scheme Scam Ukrainian Fugitive Arrested
Ponzi Scheme Scam: પોન્ઝી કૌભાંડમાં મોટો ખુલાસો, CBI યુક્રેનના ભાગેડુ આરોપીને રોમાનિયાથી ભારત લાવી, હવે ED કરશે પૂછપરછ


Ponzi Scheme Scam Ukrainian Fugitive Arrested
Ponzi Scheme Scam: કરોડોના પોન્ઝી રોકાણ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને મોટી સફળતા મળી છે. CBIએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની એજન્સીઓના સંકલનથી રોમાનિયાથી યુક્રેનના નાગરિક અને કથિત ભાગેડુ આરોપી ઓલેક્સાંદ્ર ઝાપિચેન્કોને ભારત પરત લાવ્યો છે. મંગળવારે આરોપી મુંબઈ પહોંચ્યો હતો. હવે ED દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.
રોકાણકારો પાસેથી મોટી માત્રામાં રોકડ એકત્રિત કરવામાં આવી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ઓલેક્સાંદ્ર ઝાપિચેન્કો મની લોન્ડરિંગના કેસમાં EDને વોન્ટેડ હતો. તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ ચાલી રહી હતી. EDની વિનંતી બાદ CBIએ ઈન્ટરપોલ મારફતે તેની સામે રેડ નોટિસ ઈસ્યુ કરાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના અન્ય સાથીદારોએ રોકાણકારોને દર અઠવાડિયે 6થી 11 ટકા સુધીના ઊંચા વળતરની લાલચ આપીને નાણાં એકત્રિત કર્યા હતા. કંપની મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) આધારિત પોન્ઝી સ્કીમ ચલાવતી હતી. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની જરૂરી મંજૂરી વિના રોકાણકારો પાસેથી મોટી માત્રામાં રોકડ એકત્રિત કરવામાં આવી હતી.
નાણાંનું હવાલા મારફતે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર રોકાણકારો પાસેથી મેળવેલા નાણાંનું હવાલા મારફતે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ USDT નામની ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં ઝાપિચેન્કોની સીધી સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રોકડ વ્યવહારોની વ્યવસ્થા કરવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ જણાવાયું છે.
280થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત લાવવામાં આવ્યા
EDની વિનંતી પર CBIએ ઈન્ટરપોલ અને રોમાનિયાના અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. રોમાનિયામાં આરોપીની ધરપકડ બાદ પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને તેને ભારત સોંપવામાં આવ્યો હતો. CBIના જણાવ્યા અનુસાર, વર્ષ 2019થી અત્યાર સુધીમાં ઈન્ટરપોલના સહયોગથી 280થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. હવે આ પોન્ઝી કૌભાંડમાં આરોપીની પૂછપરછથી વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.




