Gangster Gurwinder Afridi: ઈથિયોપિયાથી ભારત લવાયો પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર અફરીદી


Gangster Gurwinder Afridi
Gangster Gurwinder Afridi: ઈથિયોપિયાથી ભારત લવાયો પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર અફરીદી


Gangster Gurwinder Afridi
Gangster Gurwinder Afridi: પંજાબ પોલીસને ગેંગસ્ટર નેટવર્ક વિરુદ્ધ મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર ઉર્ફે અફરીદીને ઈથિયોપિયાથી ભારત લાવવામાં આવ્યો છે. ડોની બાલ-પ્રભ દાસુવાલ ગેંગના મુખ્ય સૂત્રધાર ગુરવિંદરની છેલ્લા 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે શોધખોળ ચાલી રહી હતી. પંજાબ પોલીસે આ સમગ્ર કાર્યવાહીનું નામ 'ઓપરેશન શહીદ' રાખ્યું હતું.
તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ હતી
પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) એ કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ ઓપરેશન સફળ બનાવ્યું છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપી હતી. આ કામગીરીમાં AGTF ઉપરાંત કાઉન્ટર ઇન્ટેલિજન્સ પંજાબની ઓવરસીઝ ફ્યુજિટિવ ટ્રેકિંગ એન્ડ એક્સ્ટ્રાડિશન સેલ તથા કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ હતી.
પંજાબ સરકારે 5 લાખના ઈનામની કરી હતી જાહેરાત
મળતી માહિતી અનુસાર, ગુરવિંદર વિદેશમાં રહીને પંજાબમાં ટાર્ગેટ કિલિંગ, ખંડણી માટે ફાયરિંગ અને અન્ય સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. તેની ધરપકડમાં મદદરૂપ માહિતી આપનાર વ્યક્તિ માટે પંજાબ સરકારે 5 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના અનેક દેશોમાં ગુપ્ત માહિતી એકત્રિત કર્યા બાદ તેની લોકેશન શોધવામાં આવી હતી અને અંતે તેને ભારત લાવવામાં સફળતા મળી હતી.
પંજાબ પોલીસે નશીલા પદાર્થોની દાણચોરી કરતા ત્રણ નેટવર્કનો પર્દાફાશ કર્યો
પંજાબ પોલીસે આ આંતરરાષ્ટ્રીય કાર્યવાહીમાં સહયોગ બદલ વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય એજન્સીઓનો આભાર માન્યો છે. રાજ્યમાંથી ગેંગસ્ટર નેટવર્કનો સફાયો કરવા માટે કાર્યવાહી ચાલુ રાખવાની પણ સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 3 નવેમ્બરે પંજાબ પોલીસે હથિયારો અને નશીલા પદાર્થોની દાણચોરી કરતા ત્રણ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 12 ગેરકાયદે પિસ્તોલ, બે હેન્ડ ગ્રેનેડ, 310.10 ગ્રામ હેરોઇન અને 33 કારતૂસ જપ્ત કરાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ વિદેશમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતા અને ડ્રોન મારફતે હથિયારો તથા નશીલા પદાર્થો મગાવતા હતા. આ સામગ્રીનો ઉપયોગ ખંડણી, ફાયરિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: Yemen Attack News: સના નજીક સાઉદી અરેબિયાના હવાઈ હુમલામાં 33 લોકોનાં મોત




