India-Pakistanના નૌકાદળના જહાજો અરબી સમુદ્રમાં આવ્યા સામ-સામે, ભારતે નોંધાવ્યો સખત વિરોધ


India-Pakistan
India-Pakistanના નૌકાદળના જહાજો અરબી સમુદ્રમાં આવ્યા સામ-સામે, ભારતે નોંધાવ્યો સખત વિરોધ


India-Pakistan
India-Pakistan : અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના નૌકાદળના યુનિટ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી અફેર્સને બોલાવીને ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
શું કહ્યું ભારતીય વિદેશ મંત્રાલયે?
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની નૌકાદળના યુનિટનું દરિયામાં વર્તન 'અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક' હતું અને તેના કારણે ભારતીય નૌકાદળના યુનિટ સાથે અથડામણ થઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાની નૌકાદળના યુનિટનું આ વર્તન એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય અભ્યાસ, કવાયત અને સૈનિકોની હિલચાલ અંગેના કરારની કલમ-10ની સીધી વિરુદ્ધ હતું. ભારતે પાકિસ્તાનને તમામ સૈન્ય યુનિટોને દરિયામાં યોગ્ય સાવચેતી રાખવા અને બંને દેશો વચ્ચે થયેલા કરારોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખવા સૂચના
ભારતે એવી પણ માગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. આ મામલે ઈસ્લામાબાદમાં ભારતના ચાર્જ ડી અફેર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સમાન વિરોધ નોંધાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હોવાથી બંને દેશો વચ્ચેના સમુદ્રી વ્યવહાર અને સૈન્ય યુનિટની કામગીરીને લઈને આ મામલો મહત્વનો બન્યો છે. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : India Pakistan Border : ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર 237 ડ્રોન તોડી પાડ્યા,અન્ય સામાન પણ કર્યો જપ્ત





