Get News Alerts

Never miss breaking news updates.

BRICS Summit 2026: 7 વર્ષ બાદ ભારત આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, મોદી સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા; વેપારથી લઈને સરહદ સુધી ચર્ચા પર નજર

BRICS Summit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 10 Sep 2026 04:57 PM IST
BRICS Summit 2026: 7 વર્ષ બાદ ભારત આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, મોદી સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા; વેપારથી લઈને સરહદ સુધી ચર્ચા પર નજરBRICS Summit 2026: 7 વર્ષ બાદ ભારત આવશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, મોદી સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા; વેપારથી લઈને સરહદ સુધી ચર્ચા પર નજર

BRICS Summit 2026

BRICS Summit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત લગભગ સાત વર્ષ બાદ જિનપિંગની ભારત યાત્રા હશે. આ પ્રવાસને ભારત-ચીન સંબંધોમાં સુધારાના પ્રયાસોના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક થવાની પણ શક્યતા છે, જેમાં બંને દેશોના સંબંધો, વેપાર, રોકાણ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

7 વર્ષ બાદ જિનપિંગનું ભારત આગમન

જિનપિંગની આ મુલાકાત 2020ના ગલવાન સંઘર્ષ બાદ ભારત-ચીન સંબંધોમાં આવેલા તણાવ વચ્ચે ખાસ મહત્વ ધરાવે છે. બંને દેશો છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ સ્તરીય સંપર્ક વધારવા અને સંબંધોને વ્યવહારુ દિશામાં આગળ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે. BRICSનું મંચ બંને દેશોને વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને વૈશ્વિક સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તક આપી શકે છે.

ભારત-ચીન વેપાર 151.10 અબજ ડોલરે પહોંચ્યો

ભારતીય દૂતાવાસ, બેઇજિંગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય માલ વેપાર 151.10 અબજ ડોલર થયો હતો, જે અગાઉના વર્ષની સરખામણીએ 18.31 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ચીનમાં ભારતની નિકાસ 36.62 ટકા વધીને 19.47 અબજ ડોલર, જ્યારે ચીનમાંથી આયાત 16.03 ટકા વધીને 131.63 અબજ ડોલર થઈ હતી. જોકે, આ સાથે ભારતનો વેપાર ખાધ પણ 112.16 અબજ ડોલર રહ્યો છે.

વેપાર-રોકાણ વધારવા પર ભાર

ભારત અને ચીન વચ્ચેના આર્થિક સંબંધોમાં વેપાર ખાધ ઘટાડવા અને રોકાણ વધારવાનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. અગાઉ મોદી અને જિનપિંગની વાતચીતમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર તથા રોકાણ સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતે ચીન સાથેના આર્થિક સંબંધોમાં સંતુલન વધારવાની સાથે પોતાના વેપાર હિતોને પણ મહત્વ આપ્યું છે.

BRICSમાં ભારતનું ઇકોનોમિક એજન્ડા

2026માં BRICSની અધ્યક્ષતા ભારત પાસે છે અને નવી દિલ્હીમાં યોજાનારી સમિટમાં વૈશ્વિક ગવર્નન્સ, બહુપક્ષીય વ્યવસ્થા, ખાદ્ય તથા ઊર્જા સુરક્ષા, આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન અને મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સાથે જ વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સહયોગને વધુ મજબૂત કરવાની દિશામાં પણ ચર્ચા થશે.

મોદી-જિનપિંગ મુલાકાત પર દુનિયાની નજર

BRICS સમિટ દરમિયાન મોદી અને જિનપિંગ વચ્ચે સંભવિત દ્વિપક્ષીય બેઠક સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક બની શકે છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં સરહદી સ્થિતિ, આર્થિક સંબંધો અને દ્વિપક્ષીય સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. અગાઉ બંને નેતાઓએ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા, વેપાર-રોકાણ વધારવા અને સંબંધોમાં વધુ સામાન્ય આધાર શોધવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : India-Russia Aviation Deal: ભારત-રશિયા હવે સાથે મળીને બનાવશે પેસેન્જર વિમાન? પ્રાદેશિક કનેક્ટિવિટી માટે મોટા સહયોગની તૈયારી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.