India Lebanon Relations: ભારત-લેબેનોન વચ્ચે પ્રથમ FOC બેઠક, વેપાર અને ડિજિટલ ટેક્નોલોજીમાં સહયોગ વધારવા ચર્ચા

India Lebanon Relations: ભારત અને લેબેનોન વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન બેઠક યોજાઈ, વેપાર અને દવા ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા ચર્ચા કરી.
Nancy Shukal
Nancy Shukal
India Lebanon Relations: ભારત-લેબેનોન વચ્ચે પ્રથમ FOC બેઠક યોજાઈIndia Lebanon Relations: ભારત-લેબેનોન વચ્ચે પ્રથમ FOC બેઠક યોજાઈ

India Lebanon Relations: ભારત-લેબેનોન વચ્ચે પ્રથમ FOC બેઠક યોજાઈ

India Lebanon Relations: ભારત અને લેબેનોન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં નવી દિલ્હીમાં પ્રથમ 'ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ' (FOC) બેઠક યોજાઈ હતી. સોમવારે યોજાયેલી આ બેઠકમાં બંને દેશોએ વેપાર, રોકાણ, ડિજિટલ ટેક્નોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ બંને દેશોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સહયોગ વધારવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયનાં કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને પ્રવાસી ભારતીય બાબતોનાં સચિવ શ્રીપ્રિયા રંગનાથન તથા લેબેનોનના વિદેશ અને પ્રવાસી બાબતોના મંત્રાલયના મહાસચિવ રાજદૂત અબ્દેલ સત્તાર ઇસ્સાએ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક દરમિયાન ભારત-લેબેનોન સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ રાજકીય, સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

દ્વિપક્ષીય ભાગીદારી વધારવા અંગે પણ ચર્ચા થઈ

ખાસ કરીને વેપાર અને રોકાણ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બંને દેશોએ પરસ્પર હિત સાથે જોડાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ મહિનામાં ભારતીય વિદેશ મંત્રાલયનાં સચિવ શ્રીપ્રિયા રંગનાથને લેબેનોનના વડાપ્રધાન નવાફ સલામ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સહયોગના નવા માર્ગો શોધવા અંગે ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત તેમણે લેબેનોનના વિદેશ મંત્રાલયના મહાસચિવ અબ્દેલ સત્તાર ઇસ્સા અને રાષ્ટ્રીય સંસદના અધ્યક્ષ નબીહ બેરી સાથે પણ મુલાકાત કરી હતી. સંસદીય આદાનપ્રદાન અને દ્વિપક્ષીય ભાગીદારી વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારત અને લેબેનોન વચ્ચેની આ પ્રથમ FOC બેઠક બંને દેશોના રાજદ્વારી સંબંધો અને આર્થિક સહયોગને નવી દિશા આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Gangster Gurwinder Afridi: ઈથિયોપિયાથી ભારત લવાયો પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર અફરીદી