Canada Foreign Minister અનીતા આનંદ 3 દિવસના ભારત પ્રવાસે, જયશંકર સાથે વેપાર કરાર અંગે ચર્ચા થવાની શક્યતા



Canada Foreign Minister
Canada Foreign Minister અનીતા આનંદ 3 દિવસના ભારત પ્રવાસે, જયશંકર સાથે વેપાર કરાર અંગે ચર્ચા થવાની શક્યતા



Canada Foreign Minister
Canada Foreign Minister: ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કેનેડાનાં વિદેશ મંત્રી અનીતા આનંદ 13થી 15 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે રહેશે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અંગેની વાટાઘાટોના સંદર્ભમાં આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
14 ઓક્ટોબરે જયશંકર અને જયંત ચૌધરી સાથે બેઠક
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, અનીતા આનંદ 13 ઓક્ટોબરે સાંજે 7:50 વાગ્યે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ-3 પર પહોંચશે. ત્યારબાદ 14 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યે તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે બેઠક કરશે. આ બેઠક દિલ્હીની ITC મૌર્ય હોટેલમાં યોજાવાની છે.
આ જ દિવસે બપોરે 2 વાગ્યે અનીતા આનંદ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરી સાથે મુલાકાત કરશે. આ બેઠક કૌશલ્ય ભવન ખાતે યોજાશે. 15 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે તેઓ ભારતથી રવાના થશે. જોકે, વિદેશ મંત્રાલયે જાહેર કરેલા કાર્યક્રમમાં બંને બેઠકોના ચોક્કસ એજન્ડાની વિગત આપવામાં આવી નથી.
ભારત-કેનેડા વેપાર કરાર પર નજર
અનીતા આનંદની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત અને કેનેડા વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) અંગેની વાટાઘાટો પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગને વધુ વિસ્તૃત કરવાની તકો ઊભી થઈ શકે છે.
2025માં વિદેશ મંત્રી બન્યા બાદ અનીતા આનંદની આ ત્રીજી ભારત મુલાકાત છે. તેઓ ઓક્ટોબર 2025માં ભારત આવ્યાં હતાં. ત્યારબાદ માર્ચ 2026માં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે પણ તેમણે ભારતની મુલાકાત લીધી હતી.
2025માં દ્વિપક્ષીય વેપાર 30.4 અબજ ડૉલર
આંકડા અનુસાર, 2025માં ભારત અને કેનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 30.4 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચ્યો હતો. તેમાં માલસામાનનો વેપાર 11 અબજ અમેરિકી ડોલરનો હતો.
કેનેડાએ 2025માં ભારતને 3.9 અબજ કેનેડિયન ડૉલરનો માલસામાન નિકાસ કર્યો હતો. તેમાં શાકભાજી, ખનિજ ઇંધણ અને તેલ તથા લાકડાનો પલ્પ મુખ્ય ઉત્પાદનોમાં સામેલ હતાં. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી 9.7 અબજ કેનેડિયન ડૉલરનો માલસામાન આયાત કર્યો હતો.
PM મોદીના સંભવિત કેનેડા પ્રવાસ પહેલાં મુલાકાત મહત્ત્વપૂર્ણ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અગાઉ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર 2026માં કેનેડાના સત્તાવાર પ્રવાસે જઈ શકે છે. સપ્ટેમ્બરમાં ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બંને નેતાઓની મુલાકાત બાદ કાર્નીએ વર્ષના અંત સુધીમાં વેપાર કરાર પર પહોંચવાની આશા વ્યક્ત કરી હતી.
આ સંજોગોમાં અનીતા આનંદની ભારત મુલાકાતને બંને દેશો વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા આગળ વધારવાની તક તરીકે જોવામાં આવી રહી છે. જોકે, મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર અંતિમ સહમતી સધાય છે તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : PM Modiનું મોટું નિવેદન: ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ 21 મી સદીની શક્તિ






